વીરતા પુરસ્કાર વિજેતા જવાનોના માતા-પિતા અને જીવનસાથી હવે રેલવેમાં મફત મુસાફરી કરી શકશે
નવી દિલ્હી, 26 માર્ચ 2026: ભારત સરકાર દ્વારા દેશના વીર જવાનો અને તેમના પરિવારજનોના સન્માનમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય રેલવેએ વીરતા પુરસ્કાર મેળવનારા સેનાના જવાનોના પરિવારજનો માટે મફત મુસાફરીની સુવિધામાં મોટો વિસ્તાર કર્યો છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નવા આદેશ મુજબ, હવે સેના, નૌસેના અને વાયુસેનાના મેડલ વિજેતાઓના જીવનસાથી તેમજ તેમના માતા-પિતા પણ આજીવન મફત રેલવે મુસાફરીનો લાભ લઈ શકશે.
નવા નિયમો મુજબ, વીરતા પુરસ્કાર મેળવનાર સૈન્ય કર્મચારીના જીવનસાથી (વિધવા અથવા વિધુર) ને આજીવન મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે. જોકે, આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ સુવિધા તેઓ પુનઃલગ્ન ન કરે ત્યાં સુધી જ માન્ય રહેશે. આ પ્રથમ વખત છે જ્યારે રેલવેએ આ સુવિધાનો વ્યાપ વધારીને વીર જવાનોના માતા-પિતાને પણ તેમાં આવરી લીધા છે. સંરક્ષણ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, વીરતા પુરસ્કાર વિજેતાઓના માતા-પિતા હવે ગૌરવપૂર્વક રેલવેમાં આજીવન રિયાયત મેળવી શકશે.
ભારતીય રેલવેની ટ્રેનોમાં વીરતા પુરસ્કાર વિજેતા જવાનોના માતા-પિતા અને જીવનસાથી ફર્સ્ટ કલાસ, ટુ ટાયર એસી અને એસી ચેર કારમાં પ્રવાસ કરી શકશે. ખાસ વાત એ છે કે, વીરતા પુરસ્કાર વિજેતા અથવા તેમના પાત્ર પરિવારજન પોતાની સાથે એક સાથીદારને પણ મફત મુસાફરીમાં લઈ જઈ શકશે. ભારત સરકારના આ નિર્ણયને દેશના સૈન્ય પરિવારો પ્રત્યેની કૃતજ્ઞતા તરીકે જોવામાં આવી રહ્યો છે. આ સુવિધાનો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવ્યો છે, જેનાથી હજારો સૈન્ય પરિવારોને સીધો ફાયદો થશે.
આ પણ વાંચોઃ દિલ્હીના રણહોલામાં રસોઈ ગેસના કાળાબજારનું કૌભાંડ ઝડપાયું, 459 LPG સિલિન્ડર જપ્ત


