Site icon Revoi.in

આરટીઈ હેઠળ પ્રવેશ માટે વાલીઓને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા સુચના

Social Share

સુરતઃ ગુજરાતમાં આર્થિકરીતે નબળા પરિવારોના બાળકો ખાનગી શાળામાં સારૂ શિક્ષણ મેળવી શકે એવા ઉમદા હેતુથી આરટીઈ એટલે કે રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો બનાવવામાં આવ્યો છે. આ કાયદા અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીઓ દ્વારા ગરીબ પરિવારોના વાલીઓ પાસેથી અરજી મંગાવીને દસ્તાવેજોની ચકાસણી કરીને ખાનગી સ્કૂલોમાં પ્રવેશની ફાળવણી કરતા હોય છે. હવે નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ આપવાનો હોવાથી વાલીઓને છેલ્લી ઘડીએ દોડાદોડી કરવી ન પડે તે માટે જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવાની સુચના આપવામાં આવી છે.

સુરતમાં આગામી શાળા સત્ર માટે RTE (શિક્ષણનો અધિકાર અધિનિયમ) હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો જેમ કે, આવક પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર અને નોન-ક્રિમિલેયર પ્રમાણપત્રોની સમયસર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે શાળા અને વાલીઓને આગોતરુ સૂચન કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ધોરણ-1માં પ્રવેશ માટે તેઓ બાળકો પાત્ર ગણાશે, જેમનો જન્મ 2 મે, 2018થી 1 મે, 2019 દરમિયાન થયો છે. વાલીઓને તેમના બાળક માટે જરૂરી દસ્તાવેજોની તૈયારી પહેલા કરી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જેથી, પ્રવેશ પ્રક્રિયામાં કોઈ વિલંબ ન થાય.

ડીઈઓ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ વહિવટીતંત્ર દ્વારા વાલીઓને આરટીઈ પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો સમયસર મળી રહે તે માટે શહેરના વિવિધ જનસેવા કેન્દ્રો પર વિશેષ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમો અંતર્ગત આવક દસ્તાવેજો અને નોન-ક્રિમિલેયર પ્રમાણપત્રોની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે. વાલીઓને જાણવામાં આવ્યું છે કે તેઓ પોતાની નિકટના જનસેવા કેન્દ્ર પર વાંછિત દસ્તાવેજો સાથે સંપર્ક કરી આ સુવિધાનો લાભ લઈ શકે છે. ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી દસ્તાવેજોની પ્રક્રિયાને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને તેમને જરૂરી પ્રમાણપત્રો મેળવવા માટે સંબંધિત શાળા અને જનસેવા કેન્દ્રો સાથે સંપર્કમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વાલીઓને RTE પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો પૂરાં પાડવામાં મદદ અને સમય બચાવવાનો છે.