Site icon Revoi.in

રાજકોટમાં પદ્મકુંવરબા હોસ્પિટલમાં પંખા ન હોવાથી અસહ્ય ગરમીમાં દર્દીઓ પરેશાન

Social Share

રાજકોટઃ  શહેરમાં સરકાર સંચાલિત પદ્મકૂંવરબા હોસ્પિટલમાં અસહ્ય ગરમીમાં સિલિંગ ફેનની સુવિધા ન હોવાથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. હોસ્પિટલના મેટરનિટી વોર્ડમાં મહિલાઓના વિશાળ વોર્ડમાં માત્ર બે પંખા હોવાથી દાખલ થયેલી મહિલાઓ સહિત તેમના નવજાત શિશુઓને પણ અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે લોકો ઘરેથી ટેબલ ફેન લઈ જવા મજબુર બન્યા છે. જોકે સમગ્ર મામલે આરએમઓ કહ્યુ હતું કે હાલમાં હોસ્પિટલમાં રીનોવેશનનું કામ ચાલુ હોવાને કારણે સિલિંગ ફેન ઉતારી લેવામાં આવ્યા છે.

રાજકોટ શહેરમાં સરકાર સંચાલિત પદ્મકુંવરબા હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓ ધરાવતું નવું બિલ્ડીંગ છે, છતાં હાલમાં જૂના બિલ્ડીંગમાં મહિલાઓ, બાળકો અને સગર્ભા માતાનો વિભાગ હજુ પણ કાર્યરત છે. મોટેભાગે હાઉસફુલ રહે છે છતાં અહીં પ્રાથમિક સુવિધાઓ નહીં હોવાને કારણે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે. અહીં વિશાળ મહિલા વોર્ડમાં સમ ખાવા પૂરતા એટલે કે માત્ર બે જ સીલિંગ ફેન કાર્યરત છે. વિશાળ વોર્ડમાં આટલા ઓછા પંખાથી તમામ પથારી સુધી હવા પહોંચવી સ્વાભાવિક રીતે અશક્ય છે. હાલમાં ચાલી રહેલી ઉનાળાની ગરમી અને ત્યારબાદ વરસાદી વાતાવરણના કારણે બફારો ખૂબ જ વધી ગયો છે. સામાન્ય પરિસ્થિતિમાં ઘરમાં અડધો કલાક વીજળી જતી રહે તો પણ લોકો પરેશાન થઈ જાય છે. ત્યારે બીમાર વ્યક્તિઓ, જેમને સ્વસ્થ થવા માટે શુદ્ધ હવા અને વધુ ઓક્સિજનની જરૂર હોય છે, તેઓ માટે પણ પંખાનો અભાવ પરિસ્થિતિને વધુ કફોડી બનાવે છે. હાલ મોટાભાગના ઘરોમાં સીલિંગ ફેનની વ્યવસ્થા હોય છે, જ્યારે ટેબલ ફેન કે પેડલ સ્ટેન્ડ ફેનનું ચલણ ઓછું થઈ ગયું છે. આવી સ્થિતિમાં, જે પરિવારો પાસે ટેબલ ફેન ઉપલબ્ધ ન હોય તેણે પોતાના આડોશી-પાડોશીઓ, સગાંસંબંધીઓ કે મિત્રો પાસેથી તેની માંગણી કરવી પડે છે.

દર્દીઓના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી આ વોર્ડમાં માત્ર 2 પંખા રાખી અને બાકીના પંખાઓ કોઈ કારણસર ઉતારી લેવામાં આવ્યા છે અને તેની જગ્યાએ નવા પંખા લગાવવાની તસ્દી લેવામાં આવી નથી. ત્યારે હોસ્પિટલમાં દાખલ થતાંની સાથે જ ઘરેથી ટેબલ ફેન લાવવો હવે એક સામાન્ય બાબત બની ગઈ છે. સરકારી હોસ્પિટલમાં ગરીબ પરિવારનાં લોકો આવતા હોય આ પ્રશ્ને ફરિયાદ કરવાની હિંમત પણ કોઈ કરતું નથી અને ઘરેથી ટેબલ ફેન લાવીને કામ ચલાવી રહ્યા છે.