Site icon Revoi.in

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીની સુવિધા ન હોવાથી દર્દીઓ પરેશાન

Social Share

સુરત, 26 માર્ચ 2026: Patients troubled by lack of drinking water શહેરની ન્યુ સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીની યોગ્ય સુવિધા ન હોવાથી દર્દીઓ અને તેના સગાઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. હોસ્પિટલમાં માત્ર દર્દીઓ જ નહીં પણ તબીબો અને સ્ટાફને પણ બહારથી પાણીની બોટલો લાવવાની ફરજ પડી રહી છે. હોસ્પિટલમાં ઠંડા પાણી માટે કૂલરો છે. તે પણ બંધ હાલતમાં છે. માર્ચ મહિનામાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અને તાપમાન 40 ડિગ્રીને વટાવી રહ્યું છે, ત્યારે હોસ્પિટલમાં સારવાર લેવા આવતા લાચાર દર્દીઓ અને તેમના પરિજનો પીવાના શુદ્ધ અને ઠંડા પાણીના ટીપાં માટે વલખાં મારી રહ્યા છે.

સુરત શહેરમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બની જાય તેવી સ્થિતિ વચ્ચે શહેરની સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે મુશ્કેલી બેવડાઈ છે. હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા ઉનાળા પૂર્વે જે આગોતરી તૈયારીઓ કરવાની હોય છે, તેમાં સંપૂર્ણ નિષ્ફળતા જોવા મળી રહી છે. નવી સિવિલ હોસ્પિટલના મોટાભાગના ઠંડા પાણીના વોટર કુલર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, હોસ્પિટલના કિડની બિલ્ડિંગ સહિતના વિસ્તારોમાં મુકવામાં આવેલા વોટર કુલરોમાં ગંદકીનું સામ્રાજ્ય છે. આ કુલરોની નિયમિત સફાઈ ન થવાને કારણે તેમાં વંદા અને અન્ય જીવાતો ઘર કરી ગઈ છે. ફિલ્ટર પાણી આપવાના દાવાઓ વચ્ચે નળમાંથી પાણીની સાથે મરેલા કોકરોઝ બહાર આવી રહ્યા છે. જે હોસ્પિટલ રોગ મટાડવા માટે છે, ત્યાં જ આવું દૂષિત પાણી પીવાથી ટાઈફોઈડ, કોલેરા અને ગેસ્ટ્રો જેવા રોગો ફેલાવવાનું જોખમ ઉભું થયું છે. ગંદા પાણીને કારણે ડોક્ટરો, હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓના સગા-સંબંધીઓ હવે હોસ્પિટલનું પાણી પીવાનું ટાળી રહ્યા છે અને બહારથી મોંઘા ભાવની પાણીની બોટલો ખરીદવા મજબૂર બન્યા છે. સિવિલ હોસ્પિટલના અનેક વોટર કુલર ટેકનિકલ ખામીનો શિકાર બન્યા છે. અનેક મશીનોના બટન બગડી ગયા હોવાથી કુલિંગ સિસ્ટમ કામ કરતી નથી, પરિણામે કાળઝાળ ગરમીમાં લોકોને ‘ગરમ પાણી’ પીવું પડી રહ્યું છે. કેટલીક જગ્યાએ કુલરમાં વાયરિંગ ખુલ્લું હોવાથી અથવા અર્થિંગની સમસ્યાને કારણે પાણી પીવા જતા લોકોને વીજ કરંટ લાગવાની શક્યતા રહેલી છે.

Exit mobile version