ટોરેન્ટ ગ્રુપના સુધીર મહેતાના મુખ્ય મહેમાનપદે PDEUનો 13મો દીક્ષાંત સમારંભ યોજાશે
ગાંધીનગર, 9 ડિસેમ્બર, 2025ઃ PDEU’s 13th convocation ceremony પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીનો 13મો દીક્ષાંત સમારંભ આગામી ગુરુવારને ૧૧ ડિસેમ્બરે યોજાશે. આ દીક્ષાંત સમારંભ PDEUના ગાંધીનગરસ્થિત કેમ્પસમાં ટોરેન્ટ ગ્રુપના ચેરમેન એમેરિટસ શ્રી સુધીર મહેતા મુખ્ય મહેમાનપદે યોજાશે. આ પ્રસંગે 60થી વધુ પીએચ.ડી. સ્કૉલર અને સાત મેરિટ મેડલ વિજેતા સહિત કુલ 2200થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે.
ગુરુવારે સાંજે 4.30 વાગ્યે યોજાનાર આ સમારંભમાં પીડીઇયુના પ્રમુખ, ડૉ. મૂકેશ અંબાણી, સ્નાતક વિદ્યાર્થીઓ, વિદ્વાનો, તેમનાં માતા-પિતા અને કેમ્પસના શૈક્ષણિક સમુદાયને સંબોધિત કરશે.
દીક્ષાંત સમારંભ દરમિયાન પીડીઇયુના ડિરેક્ટર જનરલ, પ્રો. (ડૉ.) એસ. સુંદર મનોહરન યુનિવર્સિટીની અત્યાર સુધીની સિદ્ધિઓ અને પ્રગતિ વિશે માહિતી આપશે. સ્નાતક વિદ્યાર્થીઓને પીડીઇયુ બોર્ડ ઑફ ગવર્નર્સના વાઇસ ચેરમેન ડૉ. હસમુખ અઢિયા (IAS, નિવૃત્ત); સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ શ્રીમતી અનિતા કરવાલ (IAS, નિવૃત્ત)ની વિશેષ ઉપસ્થિતિ ઉપરાંત PDEUના ડીજી પ્રોફેસર (ડૉ.) એસ સુંદર મનોહરન; PDEUના રજિસ્ટ્રાર કર્નલ (ડૉ.) રાકેશ કુમાર શ્રીવાસ્તવ તથા શિક્ષણ અને ઉદ્યોગના અન્ય મહાનુભાવો આ પ્રસંગને શોભાવશે.

આ દીક્ષાંત સમારંભની એક મુખ્ય વિશેષતા એ છે કે મહાનુભાવો નવી બનાવેલી BSL-3 (બાયોટેક લેબ્સ) અને PDEU-DST-NSDC સેમિકન્ડક્ટર ફ્રન્ટએન્ડ ફેબ સુવિધા અને ઇન્ડો-ઓસ્ટ્રેલિયન સોલર રૂફ ટ્રેનિંગ એકેડેમીની મુલાકાત લેશે. તેઓ આ સુવિધાઓ પર ઓસ્ટ્રેલિયન હાઇ કમિશન, જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી, ગુજરાત બાયોટેક મિશન અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ સાથે વાતચીત કરશે.


