Site icon Revoi.in

ગુજરાતમાં ટાઢાબોળ પવનો ફુંકાતા લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા અઠવાડીયા દરમિયાન ઠંડીમાં થોડી રાહત મળ્યા બાદ ફરીવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. આજે શુક્રવારથી ફરી ઉત્તર અને ઉત્તર-પૂર્વ તરફથી પવનો ફૂંકાતા ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સવારથી 10થી 15 કિમીની ઝડપે પવન ફૂંકાતા મિનિ વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી. તેજ પવનના કારણે અમદાવાદ સહિતના શહેરોમાં ટુ-વ્હીલર પર નીકળેલા લોકો મુશ્કેલીમાં જોવા મળ્યા હતા. ઠંડા પવનની સાથે રાજ્યમાં આજથી ઠંડીનું જોર પણ વધ્યું છે.

ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થાય છે જો કે બપોરના ટાણે થોડી ગરમી અનુભવાય રહી છે. જેનું મુખ્ય કારણ એ છે કે, ગુજરાતની આસપાસ બે સિસ્ટમ સક્રિય છે. જેમાં રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે.  જેને કારણે પવનની દિશા બદલાઈને ઉત્તર તથા ઉત્તર પૂર્વની થઈ છે.તેથી ઠંડીનું જોર સાંજે અને સવારે વર્તાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાનમાં ઉત્તર ચડાવ જોવા મળ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત તાપમાન ઘટતું જઈ રહ્યું છે, જેને કારણે ઠંડીનો અનુભવ વધુ પ્રમાણમાં સૌરાષ્ટ્ર-કચ્છ વાસીઓ કરી રહ્યા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ઠંડીનું જોર યથાવત્ છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 7.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સિવાય રાજ્યના કોઈ શહેરમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કરતા નીચું રહ્યું ન હતું.

આ ઉપરાંત આજે સવારે અમદાવાદમાં 15.7, અમરેલીમાં 15.2, વડોદરામાં 15.8, દમણમાં 16.2, ડિસામાં 14.1, દિવમાં 16.5, દ્વારકામાં 16.3, કંડલામાં 14.2, પોરબંદર ખાતે 14.3, અને વેરાવળમાં 16.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું. પવનની ઝડપ વધતા અને લઘુત્તમ તાપમાન નીચે આવતા ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે.જયારે જામનગર શહેરમાં આજે બર્ફીલા પવન સાથે કોલ્ડવેવથી ઠડીનો ચમકારો અનુભવાયો હતો.