Site icon Revoi.in

સુરતમાં સચિન વિસ્તારમાં રિક્ષામાં આવેલા શખસોએ જાહેરમાં આતંક મચાવ્યો

Social Share

સુરતઃ શહેરમાં ગુનાખોરી વધી રહી છે. માથાભારે તત્વોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ ખૂલ્લેઆમ આતંક મચાવતા હોય છે. દરમિયાન શહેરના સચિન વિસ્તારમાં સેજલનગરમાં ધુળેટીના દિવસે સાંજના સમયે આતંક ફેલાવનારી એક ઘટના બની હતી. ચારથી પાંચ શખસો રિક્ષામાં આવી જાહેરમાં જ ચપ્પુ વડે લોકો પર હુમલો શરૂ કર્યો હતો. આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. હુમલાનો વીડિયો પણ સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો.

આ બનાવની વિગતો એવી છે કે,  સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલા સેજલનગરમાં એક સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ બે જૂથ બાખડી પડ્યા હતા.દરમિયાન રિક્ષામાં આવેલા ચારથી પાંચ શખસમાંથી એક સફેદ રંગની ટી-શર્ટ પહેરેલા એક વ્યક્તિ એકાએક જ ચપ્પુ કાઢી લીધુ અને હિંસક હુમલો કર્યો હતો. એક બાદ એક ચારથી પાંચ લોકો પર ચપ્પુ વડે હુમલો કરતા તમામને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ શખસોએ કોઈપણ જાતના પોલીસના ડર વગર જાહેરમાં ચપ્પુનો ઉપયોગ કરીને આતંક મચાવ્યો હતો. સ્થાનિક રહિશોએ બચાવ માટે પથ્થરમારો પણ કર્યો હતો, જેનાથી હુમલાખોરો થોડીવારમાં જ રિક્ષામાં ચડીને ભાગવા લાગ્યા હતાં. આ ઘટના સર્જાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં સચિન પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તરત જ તપાસ શરૂ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર પી. એન. વાઘેલાએ જણાવ્યું હતું કે, આ બનાવના વીડિયોની તપાસ કરવામાં આવી છે, અને તેના આધારે ચાર શખસોની અટકાયત કરવામાં આવી છે. હાલ વધુ પૂછપરછ ચાલી રહી છે અને હુમલાનું સાચું કારણ શું છે? તે ઝડપથી બહાર આવશે.