
આર્ટીકલ 370 દૂર થયા બાદ પ્રથમવાર કારગિલની પ્રજા મતદાન કરશે
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ દુર થયા બાદ કેન્દ્ર શાસિત રાજ્ય તરીકે સ્થાપિત થયેલા લદાખના કારગીલમાં પ્રથમવાર ચુંટણી યોજાઈ રહી છે. લદાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સની ચૂંટણીમાં કાગરિત હિલ કાઉન્સિલની 26 બેઠકો માટે 10મી સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાશે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 26 બેઠકો ઉપર લગભગ 88 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.
હિલ કાઉન્સિલની સત્તા માટે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને નેશનલ કોન્ફ્રન્સ વચ્ચે ત્રીપાંખીયો જંગ જામશે. આ ઉપરાંત દિલ્હી અને પંજાબની સત્તાધારી આમ આદમી પાર્ટીએ પણ ચાર બેઠક ઉપર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યાં છે. 30 સભ્યોવાળી કાઉન્સિલની 26 બેઠકો માટે ચૂંટણીમાં કોંગ્રેસે સૌથી વધારે 21 બેઠકો ઉપર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યાં છે. ચાર બેઠકો માટે સભ્યો મનોનયન મારફતે પસંદ કરવામાં આવ્યાં છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફ્રન્સ સાથે મળીને ચૂંટણીમાં ઉતરશે. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ કારગીલમાં પણ પોતાની પકડ મજબુત બનાવવાના પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસે એક માત્ર મહિલા ઉમેદવાર ખતીજા બાનોને ચૂંટણીની ટીકીટ આપી છે.
આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો છે તેમજ પ્રચાર પ્રસારની કમાન સિનિયર નેતાઓને સોંપવામાં આવી છે. વર્ષ 2018માં યોજાયેલી ચૂંટણીમાં 16 બેઠકો ઉપર જીત મેળવીને નેશનલ કોન્ફ્રન્સ સૌથી મોટી પાર્ટી બની હતી. જ્યારે કોંગ્રેસનો આઠ બેઠક ઉપર, પીડીપીનો બે બેઠક ઉપર તથા ભાજપની એક બેઠક ઉપર જીત થઈ હતી.