
ઉત્તરપ્રદેશની જનતાએ જાતિવાદ અને પરિવારવાદને ફગાવ્યોઃ સીએમ યોગી
લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો 260થી વધારે બેઠકો ઉપર વિજય થયો છે અને સતત બીજી વાર ભાજપ ઉત્તરપ્રદેશમાં સરકાર બનાવી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય થતા ભાજપના નેતાઓ અને કાર્યકરોએ ઉજવણી કરી હતી. ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યોગી આદિત્યનાથ ભાજપ કાર્યાલય પહોંચ્યાં હતા. અહીં હોળી પહેલા હોળીનો માહોલ જામ્યો હતો અને ભાજપના નેતાઓ અને કાર્યકરોએ યોગીને ગુલાલ લગાવ્યો હતો. આ પ્રસંગ્રે યોગીએ ઉત્તરપ્રદેશની જનતાનો આભાર માન્યો હતો. તેમજ ઉત્તરપ્રદેશની જનતાએ પરિવારવાદ અને જાતિવાદને ફગાવીને સુરક્ષા, વિકાસ અને સુશાસનને પસંદ કર્યાનું જણાવ્યું હતું.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ભાજપના નેતા-કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશની જનતાએ ફરી એકવાર ભાજપ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દેશ-દુનિયાની નજર ઉપર પ્રદેશની ચૂંટણી ઉપર હતી, જો કે, ઉત્તરપ્રદેશની જનતાએ ભ્રામક પ્રચારને ફગાવ્યો છે અને ભાજપને પ્રચંડ બહુમત અપાવ્યો છે. ભાજપ સરકારે ઉત્તરપ્રદેશને સુરક્ષાનો માહોલ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઉત્તરપ્રદેશની જનતાને પુરો સમય ફાલ્યો છે. ભાજપ સરકાર કોરોનાની સાથે ભ્રષ્ટાચારની સામે પણ લડતી હતી, ઉત્તરપ્રદેશની જનતાએ જાતિવાદ અને પરિવારવાદને ફગાવીને સુરક્ષા, વિકાસ અને સુશાસનને પસંદ કર્યું છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ મતદારો અને ભાજપના કાર્યકરોનો પણ આભાર માન્યો હતો. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરપ્રદેશમાં ભાજપની જીત બદલ સીએમ યોગી અને કાર્યકરોને અભિનંદન પાઠવ્યાં હતા.
દરમિયાન મુલાયમસિંહની નાની પુત્રવધુ અપર્ણા યાદવે જણાવ્યું હતું કે, જે લોકો તૃષ્ટીકરણનું રાજકારણ કરતા હતા તેમને પ્રજાએ યોગ્ય જવાબ આપ્યો છે. મારા વિશ્વાસનો પ્રચંડ વિજય થયો છે.