Site icon Revoi.in

અમદાવાદના શ્વાને બચકા ભરતા બાળકીના મોતના કેસમાં પાલતુ શ્વાનના માલિકની ધરપકડ

Social Share

અમદાવાદઃ શહેરના હાથીજણમાં રાધે રેસિડન્સમાં એક પાલતુ શ્વાને બચકા ભરતા 4 માસની બાળકીનું મોત નિપજ્યુ હતુ. આ બનાવનો સોશ્યલ મીડિયામાં વિડિયો પણ વાયરલ થયો હતો. એક યુવતી પોતાના પાલતુ શ્વાનને લઈને રાતના સમયે આંટો મરાવવા નીકળી હતી. ત્યારે પાલતુ શ્વાને એક યુવતીના ખોળામાં રમી રહેલી બાળકી પર હુમલો કર્યો હતો, માસુમ બાળકીને બચકા ભરતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવથી સ્થાનિક રહિશોમાં પાલતુ શ્વાનના માલિક સામે રોષ ઊભો થયો હતો. દરમિયાન આ અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે શ્વાનના માલિક દિલીપ પટેલની ધરપકડ કરવામાં આવી છે. તેમજ મ્યુનિએ પાલતુ શ્વાનનો કબજો લઈને તપાસ કરી રહી છે. કહેવાય છે કે પાલતુ શ્વાનના માલિકે મ્યુનિમાં રજિસ્ટ્રેશન પણ કરાવ્યું નહતું.

ગુજરાતમાં રખડતાં ઢોર અને રખડતાં કૂતરાનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે હવે પાલતું શ્વાનના આતંકની ઘટના સામે આવી છે. શહેરના હાથીજણ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટનાએ લોકોને સ્તબ્ધ કરી દીધા છે. માત્ર ચાર મહિનાની એક નાનકડી બાળકી પર પાલતુ શ્વાને એવો હુમલો કર્યો કે બાળકીનું મોત નિપજ્યું. પોલીસે હવે શ્વાન માલિક દિલીપ પટેલ સામે BNS ની કલમ 106(1) અને કલમ 291 હેઠળ કાર્યવાહી કરી છે. શ્વાન માલિક દિલીપ પટેલની ધરપકડ કરવામાં આવી છે. શ્વાન માલિકે નિયમો નેવે મુકી લોકોના જીવ જોખમમાં મુક્યા હતા.

આ બનાવની વિગતો એવી હતી કે, શહેરના હાથીજણની રાધે રેસિડેન્સીમાં રોટવીલર બ્રીડના શ્વાને એક નિર્દોષ બાળકી પર હુમલો કર્યો. આ ઘટના સોસાયટીના CCTVમાં કેદ થઈ હતી, જેમાં એક મહિલા ફોન પર વાત કરતી હતી અને શ્વાન તેના હાથમાંથી છૂટીને બાળકી પર તૂટી પડ્યો હતો. સારવાર દરમિયાન બાળકીએ જીવ ગુમાવ્યો હતો. આ બનાવ બાદ મ્યુનિએ પાલતુ શ્વાન માટે કડક નિયમો બનાવી રહી છે. મ્યુનિ.એ પાલતુ સ્વાન માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું છતાં ઘણાબધા પાલતુ શ્વાનના માલિકો રજિસ્ટ્રેશન કરાવતા નથી.