અમદાવાદ, 1 જાન્યુઆરી 2026: Pet dog registration period extended by 3 months in Ahmedabad શહેરમાં પાલતુ કૂતરા (પેટ ડોગ) દ્વારા બાળકો પર હુમલાના બનાવો બન્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પેટ ડોગ રજિસ્ટ્રેશનનો નિયમ ફરજિયાત બનાવ્યો છે. છતાં રજિસ્ટ્રેશન માટે પેટડોગના માલિકો દ્વારા નિષ્ક્રિયતા દાખવવામાં આવી રહી છે. 1 જાન્યુઆરી 2025થી ડોગ રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, 1 વર્ષમાં 18,962 જેટલા પેટ ડોગના રજિસ્ટ્રેશન થયા છે. આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પેટ ડોગના રજિસ્ટ્રેશન માટેની મુદત ત્રણ મહિના વધારવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનમાં 1 જાન્યુઆરી 2025થી 31 ડિસેમ્બર 2025 સુધીમાં 16,674 જેટલા પેટ ડોગના માલિકો દ્વારા 18,962 જેટલા પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. સૌથી વધારે લેબ્રાડોર પ્રજાતિના પેટ ડોગનું રજિસ્ટ્રેશન થયુ છે. જર્મન શેફર્ડ અને શિત્ઝુ તેમજ ગોલ્ડન રોટવીલર પ્રજાતિના પેટ ડોગ સૌથી વધારે લોકો રાખી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અત્યાર સુધીમાં નોંધાયેલા પેટ ડોગમાં સૌથી વધારે આ ચાર પ્રજાતિના છે. એએમસી દ્વારા પેટ ડોગ રજિસ્ટ્રેશન માટેની તારીખ વધુ ત્રણ મહિના માટે લંબાવાઇ છે. હવે જે લોકો પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવશે તેમને 2,000 રૂપિયાની ફી ભરવી પડશે. છેલ્લા એક મહિનામાં માત્ર 89 જેટલા જ પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. છેલ્લા 6 મહિનાથી 1000 કરતા પણ ઓછા પેટ ડોગના રજિસ્ટ્રેશન થયા છે.
અમદાવાદ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ ડોગ રજિસ્ટ્રેશન થયુ છે. સૌથી વધારે ન્યુ રાણીપ, નવાવાડજ, બલોલનગર, જજીસ બંગલો, ગુલાબ ટાવર, ચાંદલોડિયા, સતાધાર, જોધપુર, સેટેલાઈટ, ઘાટલોડિયા, ગોતા, થલતેજ, બોપલ, ઘુમા, વાસણા, નારણપુરા, નવરંગપુરા, સાબરમતી, ચાંદખેડા, મોટેરા સહિતના વિસ્તારોમાં થયા છે. સૌથી વધારે જર્મન શેફર્ડ, લેબ્રાડોર, ગોલ્ડન રોટવીલર, સિબેરીયન અને ડોબરમેન સહિતના ડોગનું રજિસ્ટ્રેશન થયું છે. સૌથી ઓછું મધ્ય ઝોન વિસ્તારમાં શાહીબાગ, ડફનાળા, શાહપુર, અસારવા, ખાડિયા, દિલ્લીદરવાજા જેવા વિસ્તારોમાંથી લેબ્રાડોર, જર્મન શેફર્ડ અને પામેરીયન ડોગનું રજિસ્ટ્રેશન થયું છે.
અમદાવાદના હાથીજણ વિસ્તારમાં પાલતુ કૂતરા (પેટ ડોગ)એ 4 માસની બાળકી પર હુમલો કર્યો હતો જેમાં તેનું મૃત્યુ થયું હતું. પેટ ડોગના હુમલાથી બાળકીના મૃત્યુની ઘટના બાદ પેટ ડોગ રાખનારા લોકો માટે ચોક્કસ પોલિસી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહી છે. જેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પોલિસી બની અને તેને લાગુ કરવાની વિચારણા હાથ ધરવામાં આવી છે. પેટ ડોગ પોલિસી અંતર્ગત જો ડોગનું રજિસ્ટ્રેશન નહીં હોય તો ડોગ માલિકના નળ, ગટર કનેક્શન કાપવાથી લઈ ડોગને જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. ચાલુ મહિનામાં જ આ પોલિસી લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે.

