Site icon Revoi.in

અમદાવાદમાં પાલતુ ડોગને હવે AMC દ્વારા રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન ચિપ લગાવાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં પેટડોગ એટલે કે પાલતુ કૂતરા માટે મ્યુનિ,કોર્પોરેશને રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાનો નિર્ણય લીધા બાદ હવે પાલતુ કૂતરામાં હવે રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન (RFID) ચિપ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. RFID ચિપમાં પાલતુ કૂતરાના વેક્સિનેશન સહિતની માહિતી હશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાલતુ કૂતરા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત નિયમ બનાવ્યો છે. પેટડોગના માલિકોએ મ્યુનિમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. છતાં શહેરમાં 50 હજારથી વધુ પાલતુ કૂતરાની સામે નજીવી સંખ્યામાં જ રજિસ્ટ્રેશન થયુ છે. હવે આ રજિસ્ટ્રેશન થયેલા છે તેવા પાલતુ કૂતરામાં RFID ચિપ લગાવવાનું શરૂ કરવામાં આવશે. જેમાં પેટડોગને વેક્સિનેશન, લોકેશન સહિતની માહિતી હશે. અલબત્ત, આ ચિપ લગાવવાની પ્રક્રિયાનું ખાનગીકરણ કરવું કે કેમ અને તેનો ચાર્જ કઈ રીતે વસૂલવો તેના અંગે મ્યુનિ દ્વારા હાલમાં વિચારણા ચાલી રહી છે.

સૂત્રોના કહેવા મુજબ શહેરમાં અગાઉ 500 જેટલા સ્ટ્રીટ ડોગમાં RFID ચિપ લગાવામાં આવી હતી. આગામી દિવસોમાં વધુ સંખ્યામાં સ્ટ્રીટ ડોગ્સમાં RFID ચિપ લગાવવાની પ્રક્રિયા વેગવંતી બનાવાઈ શકે છે. દરમિયાન શહેરમાં આગામી બીજી ઓક્ટોબર સુધી વર્લ્ડ રેબીઝ ડે ઊજવાશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વર્ષ 2030 સુધીમાં અમદાવાદ શહેરમાંથી રેબીઝ રોગ નાબૂદ કરવો અને સમગ્ર સમુદાયમાં જાગૃતતા ફેલાવવાનો છે. ઉલ્લેખનીય છે કે, 9 મહિનામાં રેબિઝવાળા 3 શ્વાનને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પકડવામાં આવ્યા હતા.