Site icon Revoi.in

ભાવનગરના મહુવા, જેસર સહિતના વિસ્તારોમાં વીજચોરી સામે PGVCLના દરોડા

Social Share

ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીનું દૂષણ વધતુ જાય છે. તેના લીધે લાઈન લોસ પણ વધી રહ્યો છે. ત્યારે સરકારની માલિકીની વીજ કંપની પીજીવીસીએલ દ્વારા ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ભાવનગર વર્તૂળ કચેરી હેઠળના પાલિતાણા બાદ ગઈકાલે મહુવા ડિવિઝનમાં આવતા પાંચ સબ ડિવિઝન હેઠળના વીજ કનેક્શનોમાં પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ રૂ. 41.70 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી.

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડની સ્ટેટ વિજીલેન્સની ડ્રાઇવમાં વધુરૂ.41.70 લાખની વીજચોરી પકડી પાડવામાં આવી હતી. ભાવનગર પી.જી.વી.સી.એલ. સર્કલ નીચે આવતા મહુવા ડિવિઝન નીચેના મહુવા, જેસર અને બગદાણા પંથકના વિસ્તારોમાં પી.જી.વી.સી.એલ.ની 44 ટીમો ત્રાટકી હતી. મહુવા અને જેસર તાલુકામાં પી.જી.વી.સી.એલ.ના સામૂહિક દરોડામાં 509 વીજ કનેક્શનની તપાસમાં 113 રહેણાંકી અને 5 વાણિજ્ય જોડાણમાંથી વીજચોરી પકડી પાડવામાં આવી હતી.

ભાવનગર વર્તૂળ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ પાલિતાણા ડિવિઝનમાં પીજીવીસીએલ દ્વારા 99 કનેક્શનોમાં કુલ રૂ. 32.61 લાખની વીજ ચોરી ઝડપી પાડયા બાદ સતત બીજા દિવસે પણ વીજ ચેકિંગ ડ્રાઈવ યથાવત્ રહી હતી. પીજીવીસીએલના મહુવા ડિવિઝન હેઠળ આવતા મહુવા રૂરલ-1 અને 2, મહુવા ટાઉન, જેસર તથા બગદાણા સબ ડિવિઝન હેઠળના કનેક્શનોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પીજીવીસીએલની 44 ટીમો દ્વારા વહેલી સવારથી 489  રહેણાંકી તથા 20 વાણિજ્ય મળી કુલ 509 વીજ કનેક્શનોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 113 રહેણાંકી અને 5 વાણિજ્ય મળી કુલ 118 વીજ કનેક્શનોમાં કુલ રૂ. 41.70  લાખની વીજ ચોરી ઝડપાઈ હતી.

Exit mobile version