Site icon Revoi.in

જામનગર જિલ્લામાં PGVCLના દરોડા, 1.22 કરોડની વીજચોરી પકડાઈ

Social Share

જામનગરઃ જિલ્લામાં વીજચોરીનું દુષણ વધતું જાય છે. તેથી પીજીવીસીએલ વીજ કંપનીના લાઈન લોસમાં વધારો થતો જાય છે. આથી પીજીવીસીએલના અધિકારીઓ-કર્મચારીઓએ પોલીસની મદદ લઈને જામનદર જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સોમવારથી વીજ ચેકિંગ ઝૂબેશ શરૂ કરી છે. અને બુધવારે પણ સતત ત્રીજા દિવસે દરોડાની કામગીરી અવિરત ચાલું રાખવામાં આવી હતી, અને જામનગર શહેર અને તાલુકા તેમજ લાલપુરના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી વધુ 1,22,40,000 ની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દરમિયાન બુધવારે લાલપુર તાલુકાના મોટા લખિયા ગામમાં આવેલી એક મીની ઓઇલ મિલમાંથી 67.83 લાખની મોટી વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી. અને મીની ઓઇલ મિલના સંચાલક સામે વીજચોરીનો પોલિસ મથકમાં ગુનો દાખલ કરાયો છે.

પીજીવીસીએલની ટીમ દ્વારા બુધવારે લાલપુર તાલુકાના મોટા લખીયા ગામમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન મોડપર પાટિયા પાસે મેઇન રોડ પર આવેલી મીની ઓઇલ મીલમાં ચેકિંગ હાથ ધરતાં વીજ થાંભલામાંથી ડાયરેક્ટ લંગરીયું વીઆઇએન જોડાણ મેળવીને 20 મીટર લાંબો વાયર મીની ઓઇલ મીલની અંદર ખેંચી વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે બુધવારે જામનગર શહેરના સનસીટી, મહાપ્રભુજીની બેઠક, કાલાવડ નાકા બહારની સોસાયટી, બેડી રિંગ રોડ સોસાયટી સહિતના વિસ્તારોમાં વિજ ચેકિંગ કરાયું હતું. જ્યારે જામનગર તાલુકાના મોટી ખાવડી, નાની ખાવડી, શાપર, મોટા લખિયા, વસઈ, બેડ, અને નાઘેડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ કરાયું હતું. જ્યારે લાલપુરના હરીપર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વિજ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. કુલ 43 જેટલી વીજચેકિંગ ટીમને મેદાનમાં ઉતારવામાં આવી હતી, જેની મદદ માટે એસઆરપીના 12 જવાનો, 20 પોલીસ કર્મચારી તથા ત્રણ વિડિયોગ્રાફરને જોડવામાં આવ્યા હતા. બુધવારે કુલ 580 વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા. જેમાંથી 90 વીજ જોડાણમાં ગેરરીતિ જોવા મળતાં આવા આસામીઓને કુલ રૂ.1,22,40,000ના વીજ ચોરીના પુરવણી બિલ આપવામાં આવ્યા હતા.