Site icon Revoi.in

સુરતના કીમ પોલીસ સ્ટેશનના પીઆઈ રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા પકડાયા

Social Share

સુરતઃ  જિલ્લાના કીમ પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રવિણસિંહ જાડેજાને એસીબીએ રૂપિયા 3 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. હનીટ્રેપના એક કેસમાં પોલીસ ઈસ્પેકટર દ્વારા આરોપીઓને જેલમાંથી વહેલી મુક્તિ અપાવવા અને ગુનામાં ‘ગુજસીટોક’ જેવી કડક કલમોનો ઉમેરો ન કરવા માટે રૂપિયા 10 લાખની લાંચ માગી હતી. જેમાં રકઝકને અંતે રૂપિયા ત્રણ લાખ આપવાનું નક્કી કરાયુ હતું. ફરિયાદી લાંચ આપવા માગતા ન હોય એસીબીને ફરિયાદ કરતા લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યુ હતું.

આ બનાવની વિગત એવી છે કે,  સુરતના કીમ પોલીસ મથકની હદમાં એક મહિના અગાઉ હનીટ્રેપની ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં ત્રણ શખ્સોએ પોલીસની ખોટી ઓળખ આપી બે વેપારી પાસેથી 13 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ કેસની તપાસ કીમ પીઆઈ પ્રવિણસિંહ હરનાથસિંહ જાડેજા કરી રહ્યા હતા. તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓને જેલમાંથી વહેલી મુક્તિ અપાવવા અને ગુનામાં ‘ગુજસીટોક’ જેવી કડક કલમોનો ઉમેરો ન કરવા માટે પીઆઈ જાડેજાએ વકીલ ચિરાગ રમણીકભાઈ ગોંડલીયા મારફત આરોપીના ભાઈ પાસે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.

એસીબીના આસિસ્ટન્ટ ડાયરેકર આર. આર. ચૌધરીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર એસીબી ઇન્ચાર્જ મદદનીશ નિયામક ડી. એન. પટેલના માર્ગદર્શન હેઠળ મહિલા પીઆઈ વી. ડી. ચૌધરીએ કીમ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ છટકું ગોઠવ્યું હતું. વકીલ ચિરાગ ગોંડલીયા મારફત જ્યારે 3 લાખ રૂપિયા સ્વીકારવામાં આવ્યા, ત્યારે જ એસીબીએ પીઆઈ પ્રવિણસિંહ જાડેજા અને વકીલને ઝડપી લીધા હતા.

Exit mobile version