નવી દિલ્હી, 26 ઓગસ્ટ 2026: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે તેમની 4 દિવસીય જાપાન યાત્રાના ત્રીજા દિવસે ટોક્યો ખાતે જાપાનના વૈશ્વિક સ્તરના ઉદ્યોગપતિઓ અને ફાઇનાન્સિયલ ક્ષેત્રની પ્રમુખ સંસ્થાઓના વડાઓ સાથે શ્રેણીબદ્ધ ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી હતી. 200 થી વધુ ભારતીય ઉદ્યોગપતિઓના પ્રતિનિધિ મંડળ સાથે જાપાન પહોંચેલા કેન્દ્રીય મંત્રીએ ભારતને વૈશ્વિક ઉત્પાદન અને નિકાસનું મુખ્ય કેન્દ્ર બનાવવા માટે જાપાની રોકાણકારોને ભારતમાં મૂડીરોકાણ કરવા માટે ખાસ આમંત્રણ આપ્યું હતું.
આ મુલાકાત દરમિયાન મંત્રીએ જાપાનની અનેક દિગ્ગજ કંપનીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. ટોયોટા ત્સુશો કોર્પોરેશનના પ્રમુખ અને CEO તોશિમિત્સુ ઇમાઇ સાથેની બેઠકમાં વેપાર, મોબીલિટી અને ઔદ્યોગિક ક્ષેત્રે ભાગીદારી ગાઢ બનાવવા પર ચર્ચા કરવામાં આવી હતી. ભારતના ખર્ચ-સ્પર્ધાત્મક માળખાનો ઉપયોગ કરીને ઉભરતા બજારો માટે ભારતને ગ્લોબલ એક્સપોર્ટ હબ બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, SMBC ગ્રુપના ડેપ્યુટી પ્રેસિડેન્ટ એક્ઝિક્યુટિવ ઓફિસર યોશિહિરો હ્યાકુતોમે સાથે બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રે દ્વિપક્ષીય રોકાણ વધારવા અંગે વિચાર-વિમર્શ કરાયો હતો.
આ ચર્ચાને આગળ વધારતા MUFG ના ડેપ્યુટી ચેરમેન યાશુશી ઇતાગાકી સાથેની બેઠકમાં ભારતના બેંકિંગ, કમર્શિયલ ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ ઇકોસિસ્ટમમાં જાપાની મૂડીના પ્રવેશને વધુ સરળ બનાવવા માટે ચર્ચા થઈ હતી. તેમજ નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સના ગ્લોબલ બિઝનેસ હેડ મિનોરુ કિમુરા સાથે ભારતના ઝડપથી વિકસતા વીમા બજારમાં નવી ભાગીદારી અને નાણાકીય સેવાઓના વિસ્તાર અંગે ફળદાયી વાટાઘાટો હાથ ધરવામાં આવી હતી.
ટોક્યો ખાતે આયોજિત સ્ટાર્ટઅપ રાઉન્ડટેબલ કોન્ફરન્સને સંબોધતા મંત્રી પીયૂષ ગોયલે ભારતની સ્ટાર્ટઅપ શક્તિ અને યુવાનોના યોગદાન વિશે વિશેષ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે, જ્યાં છેલ્લા 10 વર્ષમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા માત્ર 500 થી વધીને આશરે 2.5 લાખ સુધી પહોંચી ગઈ છે. આજના ભારતીય યુવાનો હવે પરંપરાગત નોકરી શોધનારા નથી રહ્યા, પરંતુ ‘જૉબ ક્રિએટર્સ’ અને નવીન વિચારસરણી ધરાવતા ઇનોવેટર્સ બન્યા છે, જે જાપાની ટેક કંપનીઓ માટે ભારતીય ક્ષેત્ર સાથે સહયોગ કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે.


