 
                                    સ્પેસ પાવર બન્યું ભારત: 300 કિલોમીટર દૂર મિશન શક્તિ હેઠળ ત્રણ મિનિટમાં તોડી પાડયો સેટેલાઈટ
દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યુ છે કે ભારતે અંતરીક્ષમાં મોટી કામિયાબી પ્રાપ્ત કરતા લૉ અર્થ ઓર્ટમાં એક સેટેલાઈટને તોડી પાડયો છે. અંતરીક્ષમાં 300 કિલોમીટર દૂર સેટેલાઈટને તોડી પાડવાના આ અભિયાનને મિશન શક્તિ નામ આપવામાં આવ્યું હતું. મિશન શક્તિની સફળતાની સાથે જ ભારત દુનિયામાં ચોથી અંતરીક્ષ મહાશક્તિ બની ગયું છે. ભારત પાસે હવે અંતરીક્ષમાં પણ યુદ્ધક ક્ષમતા છે. આ આખા મિશનની જાણકારી આપતા પીએમ મોદી કહ્યુ હતુ કે કેટલાક સમય પહેલા ભારતે એક અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતે દુનિયામાં અંતરીક્ષ મહાશક્તિ તરીકે પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ચીન પાસે જ આવી સિદ્ધિ હતી. હવે ભારત આ ક્ષમતા પ્રાપ્ત કરનારો ચોથો દેશ બન્યું છે.
માત્ર ત્રણ મિનિટમાં ઓપરેશન શક્તિ કરાયું પૂર્ણ
પીએમ મોદીએ કહ્યુ છેકે કેટલાક જ સમય પહેલા વૈજ્ઞાનિકોએ ત્રણસો કિલોમીટર દૂર લૉ અર્થ ઓર્બિટમાં એક સેટેલાઈટને તોડી પાડયો છે. આ ઓપરેશન માત્ર ત્રણ મિનિટમાં જ પૂર્ણ કરવામાં આવ્યું છે. મિશન શક્તિ નામનું આ ઓપરેશન બેહદ કઠિન હતું. જેમાં ઘણી ઉચ્ચ કોટિની તકનીકી ક્ષમતાની જરૂરત હતી.
તેમણે કહ્યુ હતુ કે તમામ ભારતીયો માટે આ ગર્વની વાત છે. આ પરાક્રમ ભારતમાં જ તૈયાર કરવામાં આવેલી એ-સેટ મિસાઈલ દ્વારા કરવામાં આવ્યું છે. હું આ અભિયાન સાથે જોડાયેલા તમામ લોકોને ખૂબખૂબ અભિનંદન આપું છું. આજે ફરીથી તેમણે દેશનું માન વધાર્યું છે. આપણને આપણા વૈજ્ઞાનિકો પર ગર્વ છે. આપણા સેટેલાઈટનો ફાયદો સૌને મળે છે. આગામી દિવસોમાં આનો ઉપયોગ અને મહત્વ વધવાના છે. તેવામાં આની સુરક્ષા પણ બેહદ મહત્વપૂર્ણ છે.
પીએમ મોદીએ ભારતવાસીઓને મિશન શક્તિ સંદર્ભે જાણકારી આપતા કહ્યુ હતુ કે આજનું આ પરીક્ષણ કોઈપણ પ્રકારે આંતરરાષ્ટ્રીય કાયદા અથવા સંધિ-સમજૂતીનું ઉલ્લંઘન કરતું નથી. અમે આનો ઉપયોગ 130 કરોડ દેશવાસીઓની સુરક્ષા અને શાંતિ માટે જ કરવા ઈચ્છીએ છીએ. અમારો સામરીક ઉદેશ્ય યુદ્ધનો માહોલ બનાવી રાખવાની જગ્યાએ શાંતિ બનાવી રાખવાનો છે. પીએમ મોદીએ કહ્યુ છે કે આજનું આ પગલું ભવિષ્યની સુરક્ષા માટે એક મહત્વનું કદમ છે. આઝની સફળતા આગામી સમયમાં એક સુરક્ષિત અને શાંતિપૂર્ણ રાષ્ટ્ર માટે આગળ વધતા પગલા તરીકે જોવી જોઈએ। આ જરૂરી છે કે આપણે આગળ વધીએ અને ખુદના ભવિષ્યના પડકારો માટે તૈયારી કરીએ.
મહત્વપૂર્ણ છે કે પીએણ મોદીએ લગભગ સાડા અગિયાર વાગ્યે ટ્વિટ કરીને દેશવાસીઓને થોડીક વારમાં મહત્વપૂર્ણ સંદેશ જાહેર કરવા સંદર્ભેની માહિતી આપી હતી. તેમણે કહ્યુ હતુ કે તેઓ સવારે 11-45 વાગ્યાથી 12 વાગ્યા વચ્ચે મહત્વપૂર્ણ સંદેશ લઈને આવશે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે હું દેશને એક મહત્વપૂર્ણ સંદેશ 11-45થી 12 વાગ્યા વચ્ચે જાહેર કરીશ. તમે ટેલિવિઝન, રેડિયો અને સોશયલ મીડિયા પર જોવો.
પીએમ મોદીએ દેશવાસીઓને નામ સંદેશ જાહેર કરતા પહેલા સુરક્ષા મામલાની કેબિનેટ સમિતિ અને પોતાના કેબિનેટના સહયોગીઓ સાથે બેઠક પણ કરી હતી. તેમની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે પણ મુલાકાત થઈ હતી.
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

