નવી દિલ્હી, 25 જાન્યુઆરી 2026: આજે 25 જાન્યુઆરીના રોજ ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનો અને ‘માય ભારત’ (MY-Bharat) સ્વયંસેવકોને એક વિશેષ પત્ર લખીને લોકશાહીના પર્વમાં સહભાગી થવા આહવાન કર્યું છે. પ્રધાનમંત્રીએ મતદાનને લોકશાહી રાષ્ટ્રમાં “સૌથી મોટું સૌભાગ્ય અને જવાબદારી” ગણાવી છે અને શૈક્ષણિક સંસ્થાઓને અપીલ કરી છે કે જ્યારે તેમના વિદ્યાર્થીઓ પ્રથમ વખત મતદાર બને ત્યારે તે ક્ષણને ઉત્સવની જેમ ઉજવવામાં આવે.
પોતાના પત્રમાં પીએમ મોદીએ ભારતને ‘લોકશાહીની જનેતા’ ગણાવતા કહ્યું કે, ભારત માત્ર વિશ્વની સૌથી મોટી લોકશાહી જ નથી, પરંતુ સદીઓ પુરાણા લોકશાહી મૂલ્યો આપણી સંસ્કૃતિમાં વણાયેલા છે. ચર્ચા, સંવાદ અને લોકશાહી એ ભારતની ઓળખ છે. તેમણે નોંધ્યું હતું કે, આ વર્ષે ભારત ૧૯૫૧-૫૨માં યોજાયેલી દેશની પ્રથમ સામાન્ય ચૂંટણીના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે, જે ભારતીય જનતાની અંતરનિહિત લોકશાહી ભાવનાનું પ્રતીક છે.
પ્રધાનમંત્રીએ યુવા પેઢીના ‘કેન ડૂ’ (Can Do) સ્પિરિટની પ્રશંસા કરતા જણાવ્યું કે, મતદાર એ આપણી વિકાસયાત્રાનો ‘ભાગ્ય વિધાતા’ છે. આંગળી પર લાગેલી અમીટ શાહી એ સન્માનનું પ્રતીક છે જે આપણી લોકશાહીને ગતિશીલ રાખે છે. તેમણે સૂચન કર્યું કે, જ્યારે પણ કોઈ યુવાન પ્રથમ વખત મતદાર બને ત્યારે ઘરોમાં મીઠાઈ વહેંચીને અને શાળાઓ-કોલેજોમાં વિશેષ સમારોહ યોજીને તેમને આવકારવા જોઈએ, જેથી તેઓ પોતાની નવી જવાબદારી પ્રત્યે ગૌરવ અનુભવે.
પીએમ મોદીએ ભારતીય મતદારોની પ્રતિબદ્ધતાને બિરદાવતા કહ્યું કે, હિમાલયની ટોચ હોય કે આંદામાન-નિકોબારના ટાપુઓ, રણ હોય કે ગાઢ જંગલો, ભારતના લોકો હંમેશા પોતાનો અવાજ રજૂ કરવા મતદાન મથકો સુધી પહોંચે છે. ખાસ કરીને તેમણે ‘નારી શક્તિ’ અને યુવતીઓની સક્રિય ભાગીદારીને સર્વસમાવેશક લોકશાહી માટે મહત્વની ગણાવી હતી. અંતમાં તેમણે યુવાનોને વિકસિત, આત્મનિર્ભર અને મજબૂત ભારત બનાવવા માટે મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો.
આ પણ વાંચોઃ અમીરગઢના ઈકબાલગઢ નજીક ટ્રક અને ઈનોવા કાર વચ્ચે અકસ્માતમાં 6નાં મોત


