નવી દિલ્હી, 28 ઓગસ્ટ 2026: દેશભરમાં રક્ષાબંધનનો પર્વ ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પોતાના નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે સ્કૂલના બાળકો સાથે રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી હતી. આ ખાસ અવસરે પીએમ મોદી બાળકો સાથે હસી-મજાક કરતા, હાઈ-ફાઈવ આપતા અને તેમની સાથે હળવાશની પળો વિતાવતા નજરે પડ્યા હતા. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પર આ સુંદર ક્ષણોનો એક વીડિયો પણ શેર કર્યો છે.
બાળકો સાથેની વાતચીત દરમિયાન એક બાળકીએ પીએમ મોદીને તેમના બાળપણના સપના વિશે સવાલ પૂછ્યો હતો. બાળકીએ પૂછ્યું, ‘તમારું બાળપણનું સપનું શું હતું?’ જેના જવાબમાં વડાપ્રધાન મોદીએ હસતાં-હસતાં કહ્યું, “તમારા જેવા બાળકોને મળવાનું.” આ મધુર જવાબ સાંભળીને ત્યાં હાજર તમામ વિદ્યાર્થીઓ ખિલખિલાહટ કરીને હસી પડ્યા હતા. વીડિયોમાં પીએમ મોદી બાળકોને આશીર્વાદ આપતા અને તેમની સાથે ઉષ્માસભર વાતો કરતા દેખાય છે.
આ અગાઉ પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર દેશવાસીઓને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા લખ્યું હતું કે, “રક્ષાબંધનની ખૂબ-ખૂબ શુભકામનાઓ. આ પાવન પર્વ આપ સૌના જીવનમાં ખુશાલી, સમૃદ્ધિ અને સફળતા લઈને આવે. સ્નેહ, અપનાવટ અને પરસ્પર વિશ્વાસની ડોર સદૈવ અટૂટ બની રહે, તેવી કામના.” આ પ્રસંગે તેમણે એક સંસ્કૃત સુભાષિત પણ શેર કર્યું હતું, જેમાં રક્ષા સૂત્રના મહત્ત્વ વિશે જણાવવામાં આવ્યું છે કે તે વિજય, સુખ, આરોગ્ય અને ઐશ્વર્ય પ્રદાન કરનારું છે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી છેલ્લા કેટલાક વર્ષોથી દર વર્ષે નાના બાળકો અને વિદ્યાર્થીઓ સાથે રક્ષાબંધનનો તહેવાર મનાવતા આવ્યા છે. અગાઉ પણ બાળકોએ તેમને રાખડી બાંધીને આ પર્વની ઉજવણી કરી હતી, અને પીએમએ દેશની ‘નારી શક્તિ’નો તેમના સતત વિશ્વાસ અને પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.


