
સામ પિત્રોડાના નિવેદન અંગે PM મોદીએ નારાજગી વ્યક્ત કરી, કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં
નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા સામ પિત્રોડાએ ભારતીયોને લઈને કરેલા નિવેદન બાદ વિવાદ ઉભો થયો છે. તેમજ આ મામલે કોંગ્રેસ ઉપર ભાજપા દ્વારા આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં પિત્રોડાના નિવેદનને લઈને કોંગ્રેસને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પિત્રોડાના નિવેદનને લઈને નારાજગી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, અમેરિકામાં રહેતા રાજકુમારના અંકલ ચામડીના રંગ જોઈ રહ્યાં છે. રાજકુમારે આ મામલે જવાબ આપવો જોઈએ. મારા દેશવાસીઓ પોતાનું આ અપમાન સહન નહીં કરે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારંગલમાં રેલીને સંબોધતા જણાવ્યું હતું કે, રાજકુમારના સલાહકારએ ચામડીના રંગ ઉપર અપશબ્દો બોલ્યાં છે. રાજકુમારના ફિલોસોફર આ અપશબ્દો બોલ્યાં છે. મને ગુસ્સો આવી રહ્યો છે, હું આ અપશબ્દો સહન નહીં કરુ, ચામડીનો રંગ કંઈ નથી હોતો, અમે તો ભગવાન શ્રી કૃષ્ણને માનનાર લોકો છીએ. બીજી તરફ સામ પિત્રોડાના નિવેદન પછી વિવાદ વિકરતા કોંગ્રેસે પિત્રોડાનું નિવેદનથી દૂર રહેવાનું જ પસંદ કર્યું હતું. પિત્રોડાના નિવેદનને લઈને ભાજપાએ આકરા પ્રહાર કર્યાં છે. ભાજપાએ જણાવ્યું હતું કે, આ શબ્દો ભલે સામ પિત્રોડાના હોય પરંતુ વિચાર રાહુલ ગાંધીના છે. આ પહેલા પણ પિત્રોડાએ પોતાના નિવેદનને પગલે રાજકારણ ગરમાયું હતું. તે વખતે પિત્રોડાએ કહ્યું હતું કે, અમેરિકાની જેમ ભારતમાં જ વિરાસત કર લગાવવો જોઈએ. જો કે, કોંગ્રેસે પિત્રોડાના આ નિવેદનથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું.