નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં G-20 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત કરી હતી. મોદીએ બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમર, મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ, ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખ લી જે-મ્યુંગ, સાથે પણ મુલાકાત કરી.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મોદીએ કહ્યું કે તેઓએ વૈશ્વિક વિકાસ પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. અને પ્રધાનમંત્રી સ્ટારમર સાથેની તેમની મુલાકાત ખૂબ સારી રહી. તેમણે કહ્યું કે આ વર્ષ ભારત-યુકે ભાગીદારીમાં નવી ઉર્જા લાવ્યું છે અને તેઓ વિવિધ ક્ષેત્રોમાં તેને આગળ વધારતા રહેશે. પ્રધાનમંત્રી મોદીએ તેમના મલેશિયન સમકક્ષ સાથે વ્યાપક ચર્ચા કરી છે. મોદીએ કહ્યું કે બંને દેશો દ્વિપક્ષીય સહયોગને વૈવિધ્યીકરણ કરવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.
ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ સાથેની વાતચીત અંગે શ્રી મોદીએ કહ્યું કે તેમણે વિવિધ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. તેમણે નોંધ્યું કે ભારત-ફ્રાન્સ સંબંધો વૈશ્વિક લાભ માટે મહત્વપૂર્ણ બળ છે. અંગોલાના રાષ્ટ્રપ્રમુખ અને આફ્રિકન યુનિયનના અધ્યક્ષ સાથે પણ ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે ભારત અંગોલા સાથેની મિત્રતાને મહત્વ આપે છે અને બંને દેશો વેપાર અને સાંસ્કૃતિક સંબંધોને વધારવા માટે કામ કરી રહ્યા છે.
સમિટના પહેલા સત્રની શરૂઆત પહેલાં, મોદીએ ઇટલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સહિત અન્ય ઘણા નેતાઓ સાથે પણ વાતચીત કરી. આ પહેલા, જોહાનિસબર્ગમાં G-20 સમિટ સ્થળ પર પહોંચ્યા પછી મોદીએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાનો ઉષ્માભર્યા સ્વાગત અને મહત્વપૂર્ણ સમિટના આયોજન બદલ આભાર માન્યો.

