ભાવનગર, 20 જાન્યુઆરી 2026: શહેરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં થોડા દિવસ પહેલા લૂંટ અને હુમલાની ઘટના બની હતી. ઘરનું કરિયાણું લેવા ગયેલા સીદસર ગામના યુવક પર છરી અને લોખંડના પાઈપથી હુમલો કરી રૂ.800ની લૂંટ કરવામાં આવી હતી. આ મામલે ગંગાજળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ગણતરીના દિવસોમાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હાલ સમગ્ર ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, ભાવનગરના ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગઈ. તા..17 જાન્યુઆરીના રોજ સીદસર ગામના રહેવાસી પ્રવિણભાઈ મંગાભાઈ ચારોલીયાએ ફરિયાદ નોંધાવી હતી કે, તા.16 જાન્યુઆરીના રોજ સવારના સમયે ફરિયાદી રિક્ષામાં બેસી ગંગાજળિયા તળાવ ખાતે ઘરનું કરીયાણ લેવા આવ્યા હતા. બસ સ્ટેન્ડ નજીક દાળપુરીની લારી પર નાસ્તો કરતા હતા, તે દરમિયાન એક અજાણ્યો ઇસમ તેમની પ્લેટમાંથી દાળપુરી ખાવા લાગ્યો હતો ફરિયાદીએ તેનો વિરોધ કરતાં ઇસમ ઉશ્કેરાઈ ગયો હતો. લારીધારકે પણ તેને ત્યાંથી જવા કહ્યું હતું, જેના બાદ લાલો નામનો ઇસમ ત્યાંથી નીકળી ગયો હતો. જો કે થોડીવારમાં લાલો ફરી બે અજાણ્યા ઇસમો સાથે પરત ફર્યો, જેમાં લાલાના હાથમાં છરી અને અન્ય એક ઇસમના હાથમાં લોખંડનો પાઈપ હતો. આ ત્રણેય ઇસમોએ ફરિયાદી પ્રવિણભાઈને પકડી લીધા હતા અને લાલાએ રૂપિયા માગ્યા હતા. ફરિયાદી પ્રવિણભાઈએ રૂપિયા આપવાની ના પાડતા લાલાએ છરી વડે તેમના માથાના ભાગે હુમલો કર્યો હતો. અને રૂ.800 લૂંટી લીધા હતા.
આ ઘટનામાં અર્જુન ઉર્ફે ઠુઠો નામના ઇસમે લોખંડના પાઈપથી ફરિયાદીના પગ અને પીઠના ભાગે માર માર્યો હતો, જ્યારે ત્રીજા અજાણ્યા ઇસમે પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્રણેય આરોપીઓ ફરી તળાવ વિસ્તારમાં દેખાઇશ તો જીવતો નહીં રહેવા દઈએની ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા પ્રવિણભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તા. 17 જાન્યુઆરીના રોજ સમગ્ર બનાવ અંગે ગંગાજળિયા પોલીસ મથકમાં લાલો, અર્જુન ઉર્ફે ઠુઠો અને એક અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં તમામ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમિયાન પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના દિવસોમાં આરોપી અર્જુન ઉર્ફે ઠુઠો અને ઈશ્વર ઉર્ફે લાલો વેગડને ઝડપી પાડ્યા હતા અને આ બનાવના અન્ય એક અજણાયા ઇસમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

