Site icon Revoi.in

અમદાવાદમાં બે લાખ રિક્ષાની નોંધણી કરીને સ્ટીકર લગાવવા પોલીસ કમિશનરનો આદેશ

Social Share

અમદાવાદઃ શહેરમાં રિક્ષાઓમાં પ્રવાસીઓને લૂંટી લેવાના બનાવો બનતા હોવાથી શહેર પોલીસ કમિશનરે શહેરમાં ફરતી તમામ રિક્ષાઓની નોંધણી કરવામાં ફરમાન કર્યું છે, શહેરમાં દોડતી બે લાખ જેટલી ઓટી રિક્ષાની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવી મુસાફરો અને પ્રજાજનો જોઈ શકે તે પ્રકારે રિક્ષાની આગળ અને પાછળના ભાગે હૂડમાં સ્ટીકર લગાવવા આદેશ કરાયો છે. પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશનોને કરેલા આદેશમાં જણાવાયું છે કે, પ્રજાની સલામતી માટે પંદર દિવસમાં ઓટો રિક્ષાઓમાં સ્ટીકર લગાવવામાં આવે તેનો અમલ કરાવવો. મહિલાઓ સાથે ચોરી-લૂંટના બનાવો બને છે, ત્યારે પ્રજાની સલામતી માટે પોલીસ સ્ટેશનના રજીસ્ટરમાં નોંધણી કરાવી હોય તેના નંબર, પોલીસ સ્ટેશનનું નામ અને અમદાવાદ શહેર પોલીસ ડાયલ નંબર 112નું લખાણ હોય તેવા સ્ટીકરો લગાવવા અમલવારી કરાવવી. બે લાખથી વધુ રિક્ષામાં 10 લાખથી વધુ લોકો દરરોજ મુસાફરી કરે છે ત્યારે સુરક્ષા માટે આદેશ કરાયો છે.

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ગઈ તા. 28મી ઓક્ટોબરે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો આ પરિપત્રમાં કહેવાયુ છે કે, અમદાવાદમાં ઓટો રિક્ષામાં મુસાફરી કરતાં સિનિયર સિટીઝન, મહિલાઓ સહિતના મુસાફરો સાથે ચોરી, લૂંટ અને બળજબરીપૂર્વક વસ્તું કઢાવી લેવાના બનાવો બન્યાં છે. બહારના જિલ્લા અને રાજ્યના મુસાફરો મોડી રાત્રે કે વહેલી સવારે આવતાં હોય છે તેમની સાથે આવા બનાવો બન્યાં છે તે અટકાવવા જરૂરી છે. આવા બનાવો અટકાવી અને બનાવ બને તો આરોપી તરત શોધી શકાય તે હેતુંથી ઓટો રિક્ષાને ઓળખી કાઢવા લગાવવા જરૂરી છે. આથી અમદાવાદના દરેક પોલીસ સ્ટેશનમાં ઓટો રિક્ષાની એક રજીસ્ટર બનાવીને તેમાં નોંધણી કરવાની રહેશે. પોલીસ સ્ટેશનના રજીસ્ટરમાં નોંધણી થઈ હોય તો સિરિયલે નંબર ઉપરાંત પોલીસ સ્ટેશનનું નામ અને અમદાવાદ શહેર પોલીસડાયલ નંબર 11 લખાણવાળું 10 ઇંચ બાય 6 ઇંચનું સ્ટીકર રિક્ષાચાલકે બનાવવાનું રહેશે. આ સ્ટીકર ઓટો રિક્ષાની આગળના ભાગે ડાબી બાજુ ઉપર અને બીજુ સ્ટીકર પાછળના ભાગે હૂડ ઉપર લગાવવાનું રહેશે. આથી કોઈ ગુનો બને ત્યારે તેને ઉકેલવા, આરોપીને પકડી પાડવા માટે સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે ત્યારે સ્ટીકર ઉપર લખેલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સિરિયલ નંબરથી ગુનામાં વપરાયેલી ઓટો રિક્ષા અંગેની જાણકારી તરત મળી રહેશે.

પોલીસ કમિશનરના આદેશમાં શહેરના તમામ પોલીસ સ્ટેશનનો તાકીદ કરાઈ છે. સ્થાનિક ઓટો રિક્ષા એસોસિયેશન અને ઓટો રિક્ષાના માલિકોના સંપર્ક કરીને તેમજ લોકભાગીદારીથી સમગ્ર શહેરમાં ઓટો રિક્ષાની નોંધણી અને સ્ટીકર લગાવવાની કામગીરી પંદર દિવસમાં પૂર્ણ કરવાની જવાબદારી જે-તે ઝોન ડીસીપીએ કરાવવાની રહેશે. પોલીસ સ્ટેશનોએ નોંધણી સમયે ઓટો રિક્ષાના રજીસ્ટ્રેશન નંબર, એન્જિન નંબર, ચેસીસ નંબર, ઓટો રિક્ષા માલિક તેમજ તેને ચલાવતા કે ભાડે આપનારા વ્યક્તિના નામ, સરનામા, મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી નોંધવા ફરજિયાત છે.

નોંધનીય છે કે,અમદાવાદમાં દર મહિને ઓટો રિક્ષામાં મુસાફરોને લૂંટી લેવાના કે વસ્તુ ચોરી લેવાના 50થી વધુ બનાવો બને છે તેમાંથી માંડ 10-20 ટકામાં ફરિયાદો નોંધાય છે. અમદાવાદમાં બે લાખથી વધુ ઓટો રિક્ષાઓ છે તેમાંથી એક લાખ ભાડેથી ફેરવવા માટે અપાય છે.