Site icon Revoi.in

નવસારીમાં રૂપિયા એક લાખની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ પકડાયો

Social Share

નવસારીઃ રાજ્યમાં લાંચ-રૂશ્વતના બનાવો વધતા જાય છે. ત્યારે નવસારી જિલ્લામાંથી વધુ એક પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા પકડાયો છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મદદનીશ હેડ કોન્સ્ટેબલને રૂપિયા 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપીએ દારૂના ગુનામાં જામીન પર છૂટેલા ફરિયાદી અને તેમના મિત્રને માર નહીં મારવા અને હેરાન નહીં કરવાના બદલામાં એક લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

આ બનાવની વિગત એવી છે કે, નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસમાં આરોપીએ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી લીધા હતા. જેમાં આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર થતાં પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે માર ન મારવા અને હેરાન-પરેશાન ન કરવા માટે આરોપી પાસેથી 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

આરોપીનું નામ દિવ્યેશભાઇ બળવંતભાઇ પટેલ છે, જે ખેરગામ પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે. આ મામલે એક જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદી અને તેમના મિત્ર વિરુદ્ધ ખેરગામ પોલીસ સ્ટેશનમાં દારૂનો ગુનો નોંધાયો હતો. ફરિયાદી જામીન પર મુક્ત થયા હતા, જ્યારે તેમના મિત્રએ આગોતરા જામીન મેળવ્યા હતા. જ્યારે ફરિયાદીના મિત્ર પ્રોહિબિશનના ગુનામાં હાજર થાય ત્યારે તેમને માર નહીં મારવા અને હેરાન નહીં કરવાના બદલામાં આરોપી દિવ્યેશભાઇ પટેલે રૂપિયા એક લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ACBએ ખેરગામ પોલીસ સ્ટેશનના પહેલા માળ, કોમ્પ્યુટર રૂમમાં લાંચનું છટકું ગોઠવ્યું હતુ.

એસીબીએ ગોઠવેલા છટકા દરમિયાન, આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી એક લાખની લાંચની માંગણી કરી અને સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતા જ આરોપી સ્થળ પર પકડાઈ ગયો હતો. ACBએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ટ્રેપ એસ.એન.ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. વલસાડ તથા એ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે સુપરવિઝન આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત દ્વારા કરવામાં આવ્યું હતું.