Site icon Revoi.in

સુરતમાં ધો, 12ના વિદ્યાર્થીઓએ લકઝરી કાર્સ સાથે સ્ટંટ કરતા પોલીસે 12 કાર ડિટેઈન કરી

Social Share

સુરત:  જિલ્લાના ઓલપાડના કુંકણી ગામે આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલના ધો. 12ના વિદ્યાર્થીઓ 30 જેટલી લકઝુરિયસ કારમાં કાફલા સાથે સ્કૂલના ફેરવેલમાં પહોચ્યા હતા. વિદ્યાર્થીઓએ લકઝરી કારના સનરૂફ ખોલીને બહાર લટકીને સીન-સપાટા પણ કર્યા હતા. માલેતુજારોના નબીરાઓએ BMW, મર્સિડીઝ, પોર્શે, ઓડી, ફોર્ચ્યુનર સહિતની વૈભવી કારના સનરૂફ કે વિન્ડો પર લટકી એરગન સાથે શો-બાજી કરવા સાથે સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો. કારના રોડ-શોનો વીડિયો વાયરલ થતા પોલીસ એક્શન મોડમાં આવી ગઇ હતી. અને પોલીસે 12 લકઝરી કારને જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગતો એવી હતી કે, ઓલપાડના કુંકણી ગામમાં ફાઉન્ટન હેડ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલના ધો. 12 બોર્ડના વિદ્યાર્થીઓને સ્કૂલ તંત્ર દ્વારા ફેરવેલ અપાઇ હતી. જોકે, ખાનદાન ઘરના નબીરા એવા આ વિદ્યાર્થીઓ સ્કૂલના ફેરવેલમાં પહોંચવા લક્ઝુરિયસ કારમાં પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓએ એકજૂથ થઇ પોત-પોતાની કારનો રોડ-શો કર્યો હતો. પાલ ગૌરવપથ, જહાંગીરપુરા, દાંડીરોડ થઇ વિદ્યાર્થીઓ શૂટ-બૂટમાં સ્કૂલ સુધી પહોંચ્યા હતા. BMW, ઓડી, મર્સિડીઝ, ફોર્ચ્યુનર, પોર્શે, સ્કોડા સહિતની કારનો કાફલો એકસાથે નીકળતા સૌ કોઇ દંગ રહી ગયા હતા. ધો. 12ના વિદ્યાર્થીઓ કારના સનરૂફ પર ચઢી એરગન સાથે શો-બાજી કરતા હતા. સાથે સાથે કારની વિન્ડો પર બંને બાજુએ લટકી વિદ્યાર્થીઓ મસ્તી પણ કરતા હતા. કોઈ રાજનેતાના કોન્વોયને પણ ટક્કર મારે એમ એકસાથે 30 જેટલી કારનો કાફલો નીકળવાની સાથે તે કાર પર વિદ્યાર્થીઓના સીનસપાટા જોઈ સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા  વિદ્યાર્થીઓએ કારનો રોડ-શો કરી સમગ્ર વિસ્તારને બાનમાં લઈ લીધો હતો. દરમિયાન આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ બનાવ બાદ પોલીસે 12 લકઝરી કારને ડિટેન કરી હતી. જ્યારે શહેર બહાર ગયેલી 9 કારને રાત સુધીમાં ડિટેઈન કરાશે. 15મીથી CBSEની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓના માનસ પર અસર ન પડે. તે માટે પોલીસે હાલમાં કડક કાર્યવાહી કરી નથી.