
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે. ત્યારે ઘણાબધા કર્મચારી સંગઠનોએ પોતાના પડતર પ્રશ્નો માટે લડત શરૂ કરી હતી. જેમાં મોટાભાગના કર્મચારીઓના પ્રશ્નોનું સમાધાન થઈ જતાં લડત પાછી ખંચવામાં આવી હતી. જ્યારે ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા વીઈસી તેમજ આશા વર્કરોના પ્રશ્નોનું હજુ સમાધાન થયુ નથી. તેથી આશા વર્કરોએ પાટનગર ગાંધીનગરમાં રેલી યોજીને વિધાનસભા તરફ કૂચ કરીને જતાં પોલીસે 500 જેટલા આશા વર્કરોની અટકાયત કરી હતી.
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આશાવર્કરો દ્વારા સરકાર સામે મોરચો માંડીને પડતર માંગણીઓનો નિકાલ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. પરંતુ આજદિન સુધી આશાવર્કરોની માંગણીઓ બાબતે કોઈ નિરાકરણ નહીં લાવવામાં આવતા મંગળવારે આશાવર્કરોએ મોટી સંખ્યામાં એકઠા થઈ વિધાનસભા તરફ કૂચ કરવામાં આવતા સત્યાગ્રહ છાવણીમાં ગોઠવાયેલી પોલીસ દોડતી થઇ હતી. ત્યારે પોલીસે બપોર સુધીમાં 500થી વધુ આશાવર્કરોની અટકાયત કરતા ઘર્ષણનાં દૃશ્યો પણ જોવા મળ્યાં હતાં.
આશા વર્કરોએ જણાવ્યું હતું કે, રાજ્યના આશાવર્કર અને ફેસિલિએટર બહેનોએ કોરોના મહામારીમાં જોખમી વેક્સિનેશન, ટેસ્ટિંગ, સર્વે સહિતની કામગીરી કરી છે અને કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરવાને બદલે સરકારે પીડા આપી છે. કોવિડ કામગીરીમાં સતત આખા દિવસની સેવા માટે આશાવર્કરને માત્ર દૈનિક રૂ. 33 અને ફેસિલિએટરને દૈનિક રૂ 17 અપાય છે તે મશ્કરી સમાન છે, એરિયર્સ સાથે રૂ. 300 દૈનિક ચૂકવવા ઉપરાંત ફિક્સ પગારની માંગણી ઘણા લાંબા સમયથી પડતર છે. જે અન્વયે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મહિલા શક્તિ સેનાનાં ચંદ્રિકાબેન સોલંકીની આગેવાનીમાં આશાવર્કરોએ ધરણાં પ્રદર્શન કરવાનું નક્કી કર્યું હતું.
આશા વર્કરોના ધરણાને લીધે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ તરફ આશાવર્કરોએ એસ.ટી ડેપોની પાછળ મોટી સંખ્યામાં એકઠી થઈ વિધાનસભા તરફ કૂચ કરતાં પોલીસ દોડતી થઇ ગઈ હતી. આશાવર્કરો સચિવાલયના ગેટ નંબર – 6 સુધી પહોંચે એ પહેલાં જ બીએસએનએલ કચેરી નજીક પોલીસે કાર્યકર્તાઓને અટકાવી દીધાં હતાં. જો કે આશાવર્કરોએ સૂત્રોચારો કરીને આગળ વધવાનો પ્રયાસ કરવામાં આવતાં મહિલા પોલીસ દ્વારા ચંદ્રિકા સોલંકી સહિત 500 થી વધુ આશાવર્કરોની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને આશાવર્કરો વચ્ચે ઘર્ષણનાં દૃશ્યો સર્જાયાં હતાં. જેના પગલે પોલીસને આશાવર્કરોને ટીંગાટોળી પણ કરવાની નોબત આવી હતી.