Site icon Revoi.in

સુરતમાં વરાછા વિસ્તારમાં સ્કૂલે જતા ગુમ થયેલી બાળકીને પોલીસે 2 કલાકમાં શોધી આપી

Social Share

સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં માતા-પિતા પોતાની 8 વર્ષની બાળકીને સ્કૂલે મુકવા માટે જઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિકની ભારે ભીડમાં બાળકી માત-પિતાથી વિખૂટી પડી ગઈ હતી, માતા-પિતાએ ભારે શોધખોળ કરવા છતાંયે બાળકીનો કોઈ પત્તો ન લાગતા આખરે પોલીસને જાણ કરી હતી. વરાછા પોલીસે સીસીટીવીના કૂટેજ જોઈને માત્ર 2 કલાકના ટૂંકા ગાળામાં બાળકીને શોધી કાઢી હતી. પોલીસની આ સરાહનીય અને માનવતાભરી કામગીરીથી બાળકીને હેમખેમ તેના પરિવારને પરત સોંપવામાં આવી હતી. પરિવારથી વિખૂટી પડ્યા બાદ ગભરાયેલી બાળકી પોતાના માતા-પિતાને શોધવા માટે દોડતી દોડતી 4 કિલોમીટર દૂર પહોંચી ગઈ હતી, પરંતુ પોલીસની સતર્કતાને કારણે બાળકી મળી ગઈ હતી. જ્યારે બાળકી તેના માતા-પિતાને મળ્યા ત્યારે રસ્તા વચ્ચે જ હૃદયસ્પર્શી દ્રશ્યો સર્જાયા હતા.

આ બનાવની વિગતો એવી છે કે, શહેરના વરાછા વિસ્તારમાં ટ્રાફિક જામને કારણે એક પરિવારની સ્કૂલ ડ્રેસ પહેરેલી 8 વર્ષની દીકરી સ્કૂલે જતા સમયે અચાનક માત-પિતાથી વિખૂટી પડી ગઈ હતી. બાળકી ગુમ થઈ જતાં ગભરાયેલા પરિવારે તાત્કાલિક વરાછા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને મદદ માંગી હતી. પરિવારની ફરિયાદ મળતા જ વરાછા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ સક્રિય થઈ ગયા હતા. બાળકીને શોધવા માટે તાત્કાલિક એક ટીમ બનાવવામાં આવી હતી. પોલીસે આસપાસના વિસ્તારના 77થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું. આ ફૂટેજમાં બાળકી કઈ દિશામાં ગઈ છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસની ટીમે એક પણ મિનિટ બગાડ્યા વિના સતત શોધખોળ ચાલુ રાખી હતી. પોલીસની ટીમે બે કલાકની અથાક મહેનત અને ઝીણવટભરી તપાસ બાદ બાળકીને વરાછાથી અંદાજે 3.5 કિલોમીટર દૂર આવેલા ભાતવાડી વિસ્તારમાંથી શોધી કાઢી હતી. અને બાળકીને તેના માત-પિતાને સુપરત કરી ત્યારે હૃદયસ્પર્શી દ્રશ્યો સર્જાયા હતા.