અમદાવાદઃ શહેરમાં આ વર્ષે માત્ર સોસાયટીઓ અને શેરી ગરબાને જ મંજુરી આપવામાં આવી છે. પણ પાર્ટી પ્લોટ્સ કે કલબોને ગરબાને મંજુરી આપવામાં આવી નથી. ત્યારે શહેરમાં SG હાઈવે પર આવેલા એક બેન્કવેટ હોલમાં ગેટ ટુ ગેધરના બહાને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાનગી કંપની દ્વારા આયોજિત આ ગરબામાં પોલીસે રેડ પાડી હતી. પોલીસે આ બાબાતે કંપનીના મેનેજર, બેન્કવેટ હોલના મેનેજર સહિત ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં SG હાઈવે પર સ્થિત એક બેન્કવેટ હોલમાં ગેટ ટુ ગેધરના નામે ગરબાનું આયોજન કરાયું હતું. ખાનગી કંપની દ્વારા કરવામા આવેલા આયોજન પર પોલીસે રંગમાં ભંગ પાડતાં રેડ પાડી હતી. સોલા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને આ આયોજન અંગે બાતમી મળી હતી કે, જ્યુબિલેશન બેન્કવેટ હોલમાં ખાનગી કંપની દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસે બાતમીની જગ્યાએ રેડ કરતાં ત્યાં રીતસર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સોલા પોલીસે આ પ્રકરણમાં જાહેરનામાનો ભંગ સહિતની કલમ હેઠળ કાર્યવાહી કરી છે. પોલીસે આયોજક કંપનીના મેનેજર બેન્કવેટ હોલના મેનેજર સહિત ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. સરકારે માત્ર શેરીઓ અને સોસાયટીમાં જ માત્ર 400 લોકો સાથે ગરબાનું આયોજન કરવાની મંજુરી આપી છે. પાર્ટી પ્લોટ કે ખાનગી ક્લબોમાં ગરબાના કાર્યક્રમને મંજુરી આપવામાં આવી નથી. શેરી ગરબામાં 400 લોકોને ગરબા રમવાની મંજુરી આપી છે. સોસાયટીના આગેવાનો તથા ગરબા આયોજકોએ પણ ગરબામાં આવતા લોકોના વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરવા પડી રહ્યા છે.