સુરત, 13 માર્ચ 2026: Police raided a factory manufacturing fake ghee શહેરમાં નકલી ખાદ્ય-ચિજવસ્તુઓ પકડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. હીરા અને ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતા શહેરમાં નકલી પનીરનો મોટો જથ્થો પકડાયા બાદ ફરી એકવાર નકલી ઘી બનાવવાનું કારખાનું પકડાયું છે. શહેરના ઉમરા વેલંજા વિસ્તારમાં આવેલા ‘અવસર પ્લાઝા’માં ધમધમતા નકલી ઘીના કારખાના પર પોલીસે દરોડા પાડીને બે શખસો દ્વારા ચલાવવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ ટોળકી છેલ્લા દોઢ વર્ષથી સોયાબીન તેલ અને ડાલડામાં કેમિકલ ભેળવીને ‘શુદ્ધ ગાયનું ઘી’ કહીને લોકોના રસોડા સુધી ઝેર પીરસતી હતી. પોલીસે 2200 જેટલા નકલી ઘી ભરેલા ડબ્બાઓ જપ્ત કર્યા છે.
શહેરની ઉત્રાણ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉમરા વેલંજા વિસ્તારમાં આવેલા અવસર પ્લાઝામાં રેડ પાડવામાં આવી હતી. તપાસ દરમિયાન પ્લાઝાના પહેલા માળે આવેલી દુકાન નંબર 106 અને 108માં શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી. પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે સામે આવ્યું કે દુકાન નંબર 106ને આધુનિક મશીનરી સાથેના કારખાનામાં ફેરવી દેવામાં આવી હતી, જ્યારે બાજુની દુકાન (108) નો ઉપયોગ તૈયાર માલના સંગ્રહ માટે સ્ટોર રૂમ તરીકે થતો હતો. આરોપીઓની પૂછપરછ અને સ્થળ પરથી મળેલા પુરાવાઓ મુજબ, આ નકલી ઘી બનાવવાની રીત અત્યંત આઘાતજનક હતી. સૌ પ્રથમ સોયાબીન તેલ અને ડાલડા ઘીને મોટા વાસણોમાં ગરમ કરવામાં આવતું હતું. તેમાં અસલી ઘી જેવી સુગંધ લાવવા માટે ખતરનાક એસેન્સ (કેમિકલ સિરપ) ઉમેરવામાં આવતું. ગ્રાહકોને છેતરવા માટે ગાયના ઘી જેવો કુદરતી પીળો રંગ આપવા કૃત્રિમ કલરનો ઉપયોગ થતો હતો. આ મિશ્રણ તૈયાર થયા બાદ તેને ‘શ્રી સહજાનંદ’ અને ‘શ્રી ગજાનંદ’ જેવી જાણીતી બ્રાન્ડના સ્ટીકરો મારેલા ડબ્બાઓમાં પેક કરવામાં આવતું હતું.
ઉત્રાણ પોલીસે દરોડા દરમિયાન કુલ 4,94,940 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 583 લીટર તૈયાર નકલી ઘી (કિંમત ₹3.50 લાખથી વધુ), 2200 નંગ ખાલી અને ભરેલા ડબ્બા (નાની-મોટી સાઈઝના), મોટા પ્રમાણમાં સોયાબીન તેલ અને ડાલડાના ડબ્બા, પેકિંગ માટેના સાધનો જેવા કે સીલિંગ મશીન, વજન કાંટો, થર્મોમીટર અને ગેસ સિલિન્ડરનો સમાવેશ થાય છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, નકલી ઘી બનાવવાનું કૌભાંડ છેલ્લા 18 મહિનાથી અવિરત ચાલી રહ્યું હતું. આ કેસમાં બે મુખ્ય સૂત્રધાર સામેલ છે. નિહાર ભરતભાઈ મોવલીયા (ઉં. 32) જે તૈયાર નકલી ઘીને સુરતના સ્થાનિક બજારોમાં સપ્લાય અને સેલિંગ કરવાનું કામ કરતો હતો. પોલીસે તેની અટકાયત કરી લીધી છે. પીયૂષ વિઠ્ઠલભાઈ સાંગાણી (ઉં. 30) જે આખું મેન્યુફેક્ચરિંગ યુનિટ સંભાળતો હતો. તે હાલ પોલીસ પકડથી દૂર છે અને તેને પકડવા ટીમો રવાના કરવામાં આવી છે.

