Site icon Revoi.in

સુરતમાં પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ, ભાડા કરાર વિના મકાન ભાડે આપનારા 30 સામે ફરિયાદ

Social Share

સુરતઃ શહેરના સચિન અને સચિન GIDC વિસ્તારમાં તાજેતરમાં બનેલી લૂંટ અને મર્ડરની ઘટનામાં આરોપી પકડાયા બાદ બિહારથી લૂંટના ઈરાદે આવીને સુરતમાં સુડાના આવાસમાં મકાન ભાડે રાખીને રહેતા હતા, મકાન માલિકે ભાડા કરાર કર્યો નહતો કે પોલીસમાં નોંધણી પણ કરાવી નહતી. આથી હવે શહેર પોલીસે ભાડે અપાયેલા મકાનો પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું છે. જેમાં 30 જેટલા મકાનમાલિકોએ કરાર કર્યા વિના જ ભાડે મકાન આપી દીધા હતા. આ ખુલાસા બાદ પોલીસે ભાડેથી મકાન આપનારા મકાનમાલિકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ભાડા કરાર વગર મકાન ભાડેથી આપનાર 30 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈપણ ડોક્યુમેન્ટ લીધા વગર કે ભાડા કરાર કર્યા વગર ભાડુઆતને મકાન ભાડેથી આપનારા વિરુદ્ધ જાહેરનામા ભંગના કુલ 15 કેસો દાખલ કરવામાં આવ્યા છે. સચિન વિસ્તારમાં બિલ્ડિંગ બનાવી રૂમો ભાડે આપનાર માલિક-સંચાલકો તથા અન્ય મકાન ભાડુઆતને ભાડેથી આપે તો ભાડુઆતના ભાડા કરાર બનાવી તેઓના યોગ્ય પુરાવા લઈ નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના હોય છે. અથવા તો તેઓના બાયોડેટાની નોંધણી સિટીઝન પોર્ટલ વેબસાઈટ (www.gujhome.gujarat.gov.in) અથવા ગુજરાત પોલીસ એપ્લિકેશન મારફતે ફરજિયાતપણે ઓનલાઈન નોંધણી કરાવવાની સૂચના આપવામાં આવેલી છે. તેમ છતાં તેનું પાલન નહીં કરનાર 15 મકાન માલિક-સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

શહેરમાં ભાડેથી રહેતા ભાડુઆતોના જરૂરી બાયોડેટા રાખવા જાહેરનામું પ્રસિદ્ધ થયેલું છે, જેની ચુસ્ત અમલવારી કરાવવા સચિન GIDC પોલીસ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. બાદમાં સચિન GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જુદી-જુદી ચાલીઓ ખાતે ચેકિંગ હાથ ધરાયું હતું. આ ચેકિંગમાં ભાડુઆતોના બાયોડેટા નહીં રાખનાર 15 ચાલી માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જાહેરનામા ભંગના કેસો કરવામાં આવ્યાં હતાં.