Site icon Revoi.in

ગુજરાતમાં પકડાયેલા ત્રણ આતંકીઓની તપાસ માટે રાજસ્થાન અને યુપીની પોલીસ ટીમો આવી

Social Share

અમદાવાદઃ ગુજરાત એન્ટી ટેરિરીસ્ટ સ્વોર્ડ (ATS)એ તાજેતરમાં ગાંધીનગરના અડાલજ પાસેથી તેમજ બનાસકાંઠામાંથી ત્રણ આતંકીઓને દબોચી લીધા હતા. આ આતંકી શખસોના અન્ય રાજ્યોમાં પણ કનેક્શનનો પડદાફાશ થતાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનથી એટીએસની ટીમો તપાસ માટે અમદાવાદ આવી પહોંચી છે. અને આતંકી શખસોની પૂછતાછ શરૂ કરી છે. આતંકવાદી ડો. એહમદ મોહ્યુદ્દીન સૈયદની કારમાંથી ત્રણ વિદેશી ઓટોમેટિક ગન અને 30 કારતૂસ મળ્યા હતા. તેને હથિયાર આપવા માટે આવેલા ઉત્તરપ્રદેશના બે આતંકવાદી સુહેલ અને આઝાદ સુલેમાનને પણ પોલીસે પાલનપુરથી ઝડપી લીધા હતા. હાલ તમામ આતંકવાદીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ATS દ્વારા ગાંધીનગરના અડાલજ પાસેથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓની તપાસ માટે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન ATSની ટીમો પણ અમદાવાદ આવી પહોંચી છે. પકડાયેલા ત્રણેય આતંકવાદીઓ, જેઓ કટ્ટરવાદી વિચારધારાથી પ્રેરાયેલા હતા અને વારંવાર કાશ્મીરની મુલાકાતે ગયા હતા, આતંકી શખસોની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. ડો. મોહિયુદ્દીને દિલ્હીના આઝાદ મૈદાન અને નરોડા ફ્રુટ બજારની મુલાકાત લીધી હોવાથી, કાશ્મીરી સફરજનની આડમાં દેશભરમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મોકલવાની હતી કે કેમ, તે અંગે તપાસ ચાલી રહી છે.

ATSની તપાસમાં જાણવા મળ્યું હતું કે, ત્રણેય આતંકી જે વિસ્તારમાં રહેતા હતા તે વિસ્તારમાં કટરવાદીઓનો પ્રભાવ હતો. હૈદરાબાદમાં આતંકી ડોક્ટર અહેમદ સૈયદે કટ્ટરવાદી વિચારધારા વાળા સભ્યોને પોતાની ટીમ બનાવવા માટે ત્રણ યુવાનો પાસે શપથ પણ લેવડાવ્યા હતા. અહેમદ સૈયદ પોતાની એક મોટી ટીમ બનાવવાની ફિરાકમાં હતો. ત્રણેય આતંકીઓની મોબાઇલ ડેટાની રિકવરી કરવામાં આવી રહી છે. મોબાઈલ ડેટા રીકવર થયા બાદ અનેક રહસ્ય પણ બહાર આવી શકે છે. ગુજરાત ATSની ટીમ હવે દિલ્હી જઈને આતંકીઓની સંડોવણી અંગે વધુ તપાસ કરશે.

 આતંકીઓની પૂછપરછમાં સામે આવ્યું કે આતંકી ડો. મોહ્યુદ્દીન દોઢેક મહિના પહેલાં પણ અમદાવાદ આવ્યો હતો અને એક પાર્સલમાં રૂપિયા લઇને પરત ગયો હતો. મોહ્યુદ્દીન માટે હનુમાન ગઢથી હથિયાર લઇને આવેલા ઉત્તરપ્રદેશના સુહેલ તથા આઝાદ સુલેમાનને ચોક્કસ જગ્યાએથી હથિયાર કલેક્ટ કરીને કલોલ પહોંચવાનો આદેશ મળ્યો હતો. હથિયાર જે-તે સ્થળે કોણે મૂક્યાં હતાં? એની તપાસ ચાલે છે. પ્રાથમિક તપાસમાં તપાસ એજન્સી એવા તારણ પર પહોંચી છે કે હનુમાન ગઢ પાકિસ્તાની બોર્ડર સાથે જોડાયેલો જિલ્લો છે, જેને પગલે ડ્રોનથી હથિયાર બોર્ડર ક્રોસ કરાવીને મોકલ્યાં હતાં, જ્યાંથી આતંકવાદીઓના માણસે એ હથિયારો ચોક્કસ જગ્યાએ મુકાવ્યાં હતાં.

Exit mobile version