Site icon Revoi.in

કેનેડામાં રાજકીય ઉથલપાથલ, પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપ્યું

Social Share

પોતાની ભારત વિરોધી નીતિઓ માટે પ્રખ્યાત કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ લગભગ 9 વર્ષ સુધી કેનેડાના પ્રધાનમંત્રી હતા. પાર્ટીમાં વધી રહેલા આંતરિક અસંતોષ અને તેમની લોકપ્રિયતામાં ઘટાડો થવાને કારણે તેમણે આ પગલું ભરવું પડ્યું હતું.

રાજીનામું આપ્યા બાદ પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે, “કેનેડાની લિબરલ પાર્ટી આપણા મહાન દેશ અને લોકશાહીના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ સંસ્થા છે. એક નવા પ્રધાનમંત્રી અને લિબરલ પાર્ટીના નેતા દેશના મૂલ્યો અને આદર્શોને આગળ વધારશે. હું આગામી ચૂંટણીની રાહ જોઈ રહ્યો છું.” 2021માં અમને ત્રીજીવાર તક આપવામાં આવી હતી, જેથી અમે અર્થતંત્રને મજબૂત બનાવી શકીએ અને જટિલ વિશ્વમાં કેનેડાના હિતોને આગળ વધારી શકીએ.

તમને જણાવી દઈએ કે ટ્રુડો 2015થી કેનેડાના પ્રધાનમંત્રી હતા અને તેમના રાજીનામા બાદ લિબરલ પાર્ટીમાં નવા નેતાની શોધ શરૂ થઈ ગઈ છે. ટ્રુડોના રાજીનામાથી આ વર્ષે કેનેડામાં ચૂંટણી થવાની સંભાવના પણ વધી ગઈ છે.

અગાઉ ટ્રુડોએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પાર્ટીએ તેમના પર રાજીનામું આપવા દબાણ કર્યું હતું અને ચેતવણી આપી હતી કે જો તેઓ રાજીનામું નહીં આપે તો તેમને પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

ટ્રુડોના રાજીનામા બાદ લિબરલ પાર્ટી હવે પ્રધાનમંત્રી પદ સંભાળવા માટે વચગાળાના નેતાની પસંદગી કરશે. આ સાથે, પાર્ટી એક વિશેષ નેતૃત્વ પરિષદ પણ યોજશે, પરંતુ આ પ્રક્રિયામાં સામાન્ય રીતે ઘણો સમય લાગે છે. જો તે પહેલાં ચૂંટણીઓ યોજવામાં આવે તો, પાર્ટીએ એવા પ્રધાનમંત્રી હેઠળ કામ કરવું પડશે જે પક્ષના સભ્યો દ્વારા પસંદ કરવામાં આવશે નહીં.