દિલ્હી-NCRમાં પ્રદુષણ યથાવત, AQI રેડ ઝોનમાં પ્રવેશતા લોકોની મુશ્કેલી વધી
નવી દિલ્હી, 3 જાન્યુઆરી 2026: દિલ્હી-એનસીઆરના રહેવાસીઓને માત્ર એક દિવસની રાહત મળ્યા બાદ ફરી એકવાર આર્થિક પાટનગર પ્રદૂષણના ભરડામાં આવી ગયું છે. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદના અનેક વિસ્તારોમાં વાયુ ગુણવત્તા સૂચકાંક (એક્યુઆઈ) ફરી ‘રેડ ઝોન’માં પહોંચી જતાં લોકોની પરેશાનીમાં વધારો થયો છે. પ્રદૂષણની સાથે ગાઢ ધુમ્મસ અને પહાડી વિસ્તારોમાં થઈ રહેલી બરફવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ, દિલ્હીના આનંદ વિહારમાં એક્યુઆઈ 334, ચાંદની ચોકમાં 323 અને નેહરુ નગરમાં 329 નોંધાયો છે. આ સ્થિતિ ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં આવે છે. જોકે આયાનગરમાં 149 અને પૂસામાં 187 એક્યુઆઈ સાથે સ્થિતિ થોડી સારી રહી છે, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં હવાની ગુણવત્તા જોખમી સ્તરે છે. ગાઝિયાબાદના ઇન્દિરાપુરમમાં 332, લોનીમાં 314 અને વસુંધરામાં 318 એક્યુઆઈ નોંધાયો હતો. આ ઉપરાંત નોઈડાના સેક્ટર-125માં 304 અને સેક્ટર-1માં 307 એક્યુઆઈ નોંધાયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 ફેબ્રુઆરીએ ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી (દ્રશ્યતા)માં મોટો ઘટાડો થયો હતો. 4 અને 5 ફેબ્રુઆરીએ પણ મધ્યમ ધુમ્મસ રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 22-23 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 9-10 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. પશ્ચિમી વિક્ષોભને કારણે પહાડો પર થઈ રહેલી હિમવર્ષાને લીધે મેદાની વિસ્તારોમાં સતત ઠંડા પવનો ફૂંકાશે. નિષ્ણાતોના મતે, ઠંડી અને પવનની ઓછી ગતિને કારણે હવામાં રહેલા પ્રદૂષક રજકણો વાતાવરણમાં નીચેની સપાટી પર જ જકડાઈ રહે છે. ધુમ્મસ સાથે ભળતા તે ‘સ્મોગ’નું સ્વરૂપ ધારણ કરે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
આ પણ વાંચોઃ દેશમાં શિક્ષણ ઉપર સંકટ? 10 વર્ષમાં 93,000 થી વધુ શાળાઓને લાગ્યા તાળાં


