
ગુજરાત: અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
અમદાવાદઃ ગુજરાતના પોરબંદરમાં અરબી સમુદ્રમાંથી સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. સુરક્ષા એજન્સીઓએ દરિયામાંથી લગભગ 800 કિલો ડ્રગ્સ પકડ્યું હોવાનું જાણવા મળે છે. જેની આંતરરાષ્ટ્રીય કિંમત અંદાજે બે હજાર કરોડ જેટલી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગુજરાતના દરિયામાંથી ફરી એકવાર મોટી સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.
પ્રાથમિક માહિતી અનુસાર પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતનો દરિયો અને દરિયાકાંઠો ડ્રગ્સની હેરાફેરી માટે સ્વર્ગ સમાન બન્યો હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓેએ દરિયાકાંઠા વિસ્તારમાંથી કરોડોની કિંમતના ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરીને કેટલાક ડ્રગ્સ માફિયાઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. દરમિયાન આજે ફરી એકવાર દરિયામાંથી સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો અને ઇન્ડિયન નેવીએ જોઇન્ટ ઓપરેશન થકી ગુજરાતના મધદરિયે 529 કિલો હશિશ, 234 કિલો મેથંફેટામાઇન અને હેરોઇન ઝડપી પાડ્યું લીધું હોવાનું જાણવા મળે છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત 2 હજાર કરોડની આસપાસ છે. NCBને આ પ્રકારનું ડ્રગ ટ્રાફિકિંગ થતું હોવાની માહિતી મળતા નેવલ ઇન્ટેલિઝન્સ યુનિટને જાણ કરવામાં આવી હતી. જેને પગલે બન્ને એજન્સીએ સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું હતું.