Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લામાં PGVCLની રેડ બાદ વીજલોસ 25 ટકાથી ઘટી 9 ટકા થયો

Social Share

સુરેન્દ્રનગર, 11 માર્ચ 2026Power loss reduced to 9 percent જિલ્લામાં વીજચોરી સામે પીજીવીસીએલ દ્વારા પોલીસની મદદથી જુગા જુદા વિસ્તારોમાં રેડ પાડવામાં આવી હતી. પીજીવીસીએલની ઝૂંબેશને લીધે વીજચોરીમાં ઘટાડો થયો છે. પહેલા 25 ટકાથી વધુ લાઈનલોસ રહેતો હતો પણ હવે માત્ર 9 ટકા જ વીજલોસ છે. આ સિદ્ધિ બદલ PGVCL દ્વારા પોલીસ વિભાગ અને પોતાની ટીમને સન્માનિત કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજચોરીનું સૌથી મોટુ દૂષણ હતું. કેટલાક ગામોમાં તો વીજ અધિકારીઓ પણ જતા ડરતા હતા. સતત લાઈનલોસ વધતા પીજીવીસીએલ દ્વારા પોલીસની મદદ લઈને વીજચોરી સામે ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. ગ્રામીણ વિસ્તારોમાં ચાલતી વીજચોરી પર સતત દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં ભૂમાફિયાઓ, બુટલેગરો અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોના ઘરોમાં ઇલેક્ટ્રિક ઉપકરણોની તપાસ કરવામાં આવી હતી. વીજચોરી કરતા એકમોને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઝૂંબેશને લીધે લાઈનલોસ જે પહેલા 25 ટકાથી વધુ હતો એમાં ઘટાડો થઈને હવે માત્ર 9 ટકા થયો છે. આ સિદ્ધિની ઉજવણી અને સન્માન માટે સુરેન્દ્રનગર શહેરના પંડિત દીનદયાળ હોલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં PGVCLના મેનેજિંગ ડિરેક્ટર (MD) કેતન જોશી, સુરેન્દ્રનગર જિલ્લા હેડ એન.એન. અમીન અને જિલ્લા પોલીસ વડા (SP) પ્રેમસુખ ડેલૂ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન, PGVCLના જિલ્લા હેડ એન.એન. અમીન અને તેમની ટીમે SP પ્રેમસુખ ડેલૂ અને તેમની ટીમને વીજચોરી વિરોધી અભિયાનમાં આપેલા સહકાર બદલ સન્માનિત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ એકમો પાસેથી ₹151 કરોડથી વધુની બાકી રકમ વસૂલવાની છે. આ ઉઘરાણીની કામગીરી માટે પણ PGVCL દ્વારા અલગ-અલગ ટીમોને કામે લગાડવામાં આવી છે. જે ગ્રાહકોના વીજ બિલ બાકી છે, તેમના વીજ કનેક્શન કાપી નાખવા સહિતની કાર્યવાહી પણ હાલ ચાલી રહી છે.

Exit mobile version