1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થ્ય, આ ‘પંચશક્તિ’ સરકારની અગ્રતા : રાજ્યપાલ
વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થ્ય, આ ‘પંચશક્તિ’ સરકારની અગ્રતા : રાજ્યપાલ

વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થ્ય, આ ‘પંચશક્તિ’ સરકારની અગ્રતા : રાજ્યપાલ

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીના સંબોધન સાથે આજે 15મી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો શુભારંભ થયો હતો. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, મારી સરકાર હંમેશા ગુજરાતના નાગરિકોની ઉન્નતિ, સશક્તિકરણ અને પ્રગતિ માટે પ્રતિબધ્ધ છે. વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થ્ય; એ ‘પંચશક્તિ’ મારી સરકારની અગ્રતા છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકા પ્રાયોરિટી, પોલીસી અને પર્ફોર્મન્સના રહ્યા છે. છેલ્લા નવ વર્ષોથી ગુજરાતને ‘ડબલ એન્જિન સરકાર’ના લાભો મળી રહ્યા છે. માનવ વિકાસ અને જનકલ્યાણના તમામ આયામોમાં ગુજરાત અન્ય રાજ્યો માટે આદર્શ-પથપ્રદર્શક રહ્યું છે. એક પણ ક્ષેત્ર એવું નથી જેમાં ગુજરાતે નવા શિખરો સર ન કર્યા હોય, નવી સિદ્ધિ હાંસલ ન કરી હોય અને એટલે જ આજે ગુજરાત સમગ્ર દેશ માટે ‘મોડેલ સ્ટેટ’ બન્યું છે.

સૌપ્રથમ સત્યના સાધક પૂજ્ય મહાત્મા ગાંધીજી, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ, મુક સેવક પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ અને ગુજરાતના સપૂત શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક સહિત સૌ સ્વાતંત્ર સેનાનીઓને શ્રદ્ધાપૂર્વક વંદન કરતાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાત એટલે ગરબા, વ્યાપાર, સ્વાદ, સાહસ અને સંસ્કાર. શૂરવીરો અને સાહિત્યકારોની ભૂમિ એટલે ગરવી ગુજરાત. કોરોના જેવી મહામારી હોય કે કુદરતી હોનારતો, મારા ગુજરાતી બાંધવોએ અડગ રહીને આફતોનો સામનો કરતાં કરતાં વિકાસની ગતિમાં અવરોધ નથી આવવા દીધો. રાજ્ય સરકારના પંચામૃત વિકાસ કાર્યોમાં ગુજરાતના નાગરિકોએ હંમેશા સમર્થન આપ્યું છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ભારત સરકારની ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત અમદાવાદ સહિત ગુજરાતના 87 રેલવે સ્ટેશનોનો વિકાસ કરાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતીઓને ગુજરાતની રાજધાની ગાંધીનગર અને દેશની આર્થિક રાજધાની મુંબઈને જોડતી સેમી હાઈસ્પીડ ‘વંદે ભારત ટ્રેન’ની ભેટ આપી છે, એ જ રીતે ગુજરાતના નાના શહેરોને મોટા શહેરો સાથે જોડતી ‘વંદે મેટ્રો ટ્રેન’ની પણ સુવિધા ઉપલબ્ધ કરાવાશે. ભારત સરકારે વર્ષ 2023-24 ના અંદાજપત્રમાં ગુજરાતમાં રેલવેના વિકાસ માટે ₹8332 કરોડની ઐતિહાસિક ફાળવણી કરી છે. ગુજરાત દેશનું ‘ગ્રોથ એન્જિન’ રહ્યું છે, એમ કહેતાં તેમણે વધુમાં કહ્યું કે, નલ સે જલ, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી યોજનાઓના વ્યાપક અને અસરકારક અમલીકરણથી જનકલ્યાણકારી સેવાઓમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code