જુનાગઢમાં કોરોનાની વેક્સિનના ફેક સર્ટી.નું કૌભાંડ, અનેક સ્ટાર અને ક્રિકેટરના નકલી સર્ટી બન્યા
જૂનાગઢઃ સોરઠ પંથકમાં કોરોના વિરોધી વેક્સિનનો લક્ષ્યાંક પૂર્ણ કરવા બોગસ નામે વેક્સિન સર્ટિફિકેટ ઈસ્યુ કરી દેવાનું કથિત કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આરોગ્ય કર્મચારીઓએ ફિલ્મસ્ટાર જયા બચ્ચન, જુહી ચાવલા, મહિમા ચૌધરી અને ક્રિકેટર મોહમ્મદ કૈફ જેવી જાણતી હસ્તીઓનાં નામે રસીના સર્ટિફિકેટ્સ ઇસ્યુ કરી દીધા હતા. જે ફેક સર્ટિફિકેટની કોપીઓ છે, જેમાં જ્યા બચ્ચન ઉંમર વર્ષ 23 એ મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસી લીધી હતી, જેમાં પ્રથમ ડોઝ તા. 30 જુલાઈ 2021, બીજો ડોઝ 30 ઓક્ટોબર 2021 અને પ્રિકોશન ડોઝ 3 ઓગસ્ટે લીધો હોવાનાં સર્ટિફિકેટ્સ મળ્યાં છે
સૂત્રોના જણાવ્યા મુજબ આરોગ્ય કર્મચારીઓએ કોરોના વેક્સિનનો ટાર્ગેટ પુરો કરવા માટે ફેક નામો પર સર્ટી ઈસ્યુ કરાયા હોવાનું જાણવા મળ્યું છે. ફિલ્મ સ્ટાર અને રાજ્યસભાના સાંસદ એવા જયા બચ્ચનના નામે વેક્સિન લીધાનું સર્ટી ઈસ્યું થયેલું છે. મેંદરડા આરોગ્ય કેન્દ્રમાં લીધેલી વેક્સિનના પ્રથમ બન્ને ડોઝમાં રસીના બેચ નંબર એકના એક છે, જ્યારે પ્રિકોશન ડોઝના બેચ નંબર બદલાયેલા છે. એ ઉપરાંત મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ અભિનેત્રી જેવું જ નામ ધરાવતી મહિમા ચૌધરી, ઉંમર વર્ષ 22 એ 30 જુલાઈએ પ્રથમ ડોઝ, 30 ઓક્ટોબરે બીજો ડોઝ અને પ્રિકોશન ડોઝ 25 ઓગસ્ટ 2022ના રોજ લીધો હોવાનાં સર્ટિફિકેટ બનાવાયાં છે જેમાં પણ પ્રથમ બંને ડોઝના બેચ નંબર પણ એકના એક છે. એ ઉપરાંત મોટી મોણપરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અભિનેત્રીના ભળતા નામવાળી વ્યક્તિ જુહી ચાવલા, ઉંમર વર્ષ 44એ પ્રથમ ડોઝ 15 જુલાઈ 2021, બીજો ડોઝ 9 ઓક્ટોબર 2021 અને પ્રિકોશન ડોઝ 10 ઓગસ્ટ 2022ના રોજ લીધા હોવાનાં સર્ટિફિકેટ ઈસ્યુ થયાં છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરીનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે અધિકારીઓનું દબાણ હતું એટલું જ નહીં, કેટલાક અધિકારીઓ તો એમ પણ કહેતા હતા ગમે તેમ કરો, ટાર્ગેટ પૂરો થવો જોઈએ. એને કારણે અનેક જગ્યાએ રસીકરણની કામગીરી કાગળ ઉપર કરવામાં આવી હતી, જેમાં ગમે તે વ્યક્તિનું નામ લખીને રસી અપાય ગયાની પ્રોસેસ કરવામાં આવી હતી. આવાં સર્ટિફિકેટ અનેક લોકોનાં ઈસ્યુ થયાં છે. એવા સંજોગોમાં ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તો ખોટાં સર્ટિફિકેટ જ નહીં, કોરોનાની કીમતી રસીનો નાશ કરવાનું કૌભાંડ પણ બહાર આવી શકે છે જૂનાગઢ જિલ્લામાં કોરોના રસીકરણનું મોટું કૌભાંડ કરીને ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે અને આવા તો અનેક લોકોનાં સર્ટિફિકેટ ઈસ્યુ થયાં હોવાનું કહેવાય છે, જેની ચકાસણી કરવામાં આવી રહી છે. સર્ટિફિકેટમાં રસીના બન્ને ડોઝના બેચ નંબર સરખા હોવાનું સામે આવ્યું હતું.