1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. 36મી નેશનલ ગેઈમ્સની તૈયારીઓ, 17 સ્થળોએ વિવિધ 36 રમતો રમાશે, CMએ કરી સમીક્ષા
36મી નેશનલ ગેઈમ્સની તૈયારીઓ, 17 સ્થળોએ વિવિધ 36 રમતો રમાશે, CMએ કરી સમીક્ષા

36મી નેશનલ ગેઈમ્સની તૈયારીઓ, 17 સ્થળોએ વિવિધ 36 રમતો રમાશે, CMએ કરી સમીક્ષા

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં આગામી તા. 27મી સપ્ટેમ્બરથી યોજાઇ રહેલી 36મી નેશનલ ગેઇમ્સના સફળ આયોજન માટે ઓર્ગેનાઇઝિંગ કમિટિની બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રમત-ગમત રાજ્યમંત્રી  હર્ષ સંઘવી પણ જોડાયા હતા. સાત વર્ષના અંતરાલ બાદ યોજાઇ રહેલી આ 36મી નેશનલ ગેઇમ્સનું યજમાન પદ ગુજરાતને મળ્યું છે તેનું ગૌરવ કરતાં મુખ્યમંત્રીએ દેશભરના ખેલાડીઓ માટે આ ગેઇમ્સ એક યાદગાર સંભારણું બની રહે તેવું સુદ્રઢ આયોજન સુનિશ્ચિત કરવા આ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.

દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અંદાજે 8 હજાર ઉપરાંત ખેલાડીઓ આ નેશનલ ગેઇમ્સની વિવિધ 36 રમતોમાં પોતાનું ખેલ કૌશલ્ય ઝળકાવવાના છે. ગુજરાતના 6 મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને ગાંધીનગરમાં આ રમતોત્સવની વિવિધ સ્પર્ધાઓ યોજાશે. આ મહાનગરોમાં કુલ મળીને 17 જેટલા સ્થળોએ વિવિધ ૩૬ રમતોનું આયોજન સુચારૂ રીતે પાર પડે તે માટે મુખ્ય સચિવ પંકજકુમારના નેતૃત્વમાં નેશનલ ગેઇમ્સ એક્ઝિકયુટીવ કમિટિની રચના કરવામાં આવેલી છે. આ ઉપરાંત 6 મહાનગરોમાં પણ સિટી કમિટિની જવાબદારી સચિવ કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવી છે.

જેમાં અમદાવાદ માટે શહેરી વિકાસ અગ્ર સચિવ  મુકેશકુમાર, સુરત માટે જી.આઇ.ડી.સી.ના એમ.ડી  થેન્નારસન, ભાવનગર માટે એસ.ટી. નિગમના એમ.ડી., ગાંધી, રાજકોટ માટે ઉદ્યોગ કમિશનર  રાહુલ ગુપ્તા, વડોદરા માટે જી.યુ.વિ.એન.એલ ના એમ.ડી  શિવહરે અને ગાંધીનગર માટે કમિશનર  મ્યુનિસિપાલીટીઝ એડ્મીનીસ્ટ્રેશન  રાજકુમાર બેનિવાલ જવાબદારી સંભાળશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તા. 27મી સપ્ટેમ્બરે આ નેશનલ ગેઇમ્સનો ભવ્ય ઉદઘાટન સમારોહ દોઢ લાખ જેટલા રમતપ્રેમીઓ, ખ્યાતનામ ખેલાડીઓની ઉપસ્થિતિમાં યોજાશે.  તેના તલસ્પર્શી આયોજનની પણ વિસ્તૃત ચર્ચા-વિચારણા આ બેઠકમાં હાથ ધરવામાં આવી હતી. રમતોત્સવનું સમાપન સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં તા. 12મી ઓક્ટોબરે કરાશે.  રમત-ગમત અગ્ર સચિવ  અશ્વિનીકુમારે આ બેઠકમાં જણાવ્યું કે, નેશનલ ગેઇમ્સ માટે રાજ્યભરમાં ઉત્સાહ-ઉમંગનું વાતાવરણ વધુ ઊજાગર કરવાનું પણ સુગ્રથિત આયોજન કરવામાં આવેલું છે.

તદઅનુસાર, તા.12 થી 16 સપ્ટેમ્બર દરમિયાન શાળા-કોલેજોમાં એક્ટિવેશન, ૬ શહેરોમાં તા. 15 થી 25 સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ કાર્નિવલ તેમજ તા. 22થી 29 સપ્ટેમ્બર દરમિયાન મેસ્કોટ રેલી યોજવામાં આવશે. આ નેશનલ ગેઇમ્સ સાથોસાથ આદ્યશક્તિની આરાધનાનું પર્વ અને ગુજરાતની વૈશ્વિક ઓળખ નવરાત્રિ પણ આવી રહિ છે તે સુભગ સમન્વય છે. દેશના રાજ્યોના ખેલાડીઓ ગુજરાતની ગરબા-રાસની આ ભાતીગળ સંસ્કૃતિ પણ રમતોત્સવ સાથે માણી શકે તેવા આયોજન અંગે પણ બેઠકમાં વિચાર-વિમર્શ કરાયો હતો.

આ નેશનલ ગેઇમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓ સાથે રિયલ ટાઇમ કોમ્યુનિકેશન, આવાસ-ભોજન, વાહન વ્યવહારની માહિતી, ખેલાડીઓની પ્રોફાઇલ અપડેટ અને પરિણામોના રિયલ ટાઇમ અપડેટ માટે ગેઇમ્સ મેનેજમેન્ટ સિસ્ટમ અન્વયે વેબસાઇટ અને એપ લોંચ કરવામાં આવેલા છે તેમ પણ આ બેઠકમાં જણાવાયું હતું.

મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કૈલાસનાથન, મુખ્ય સચિવ  પંકજકુમાર, પોલીસ મહાનિદેશક  આશિષ ભાટિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ  પંકજ જોષી, ઊર્જા, નાણાં, રમત-ગમત વિભાગના અગ્ર સચિવઓ, પ્રવાસન સચિવ તથા એસ.ટી.નિગમ, જી.આઇ.ડી.સી, જી.યુ.ડી.એમ ના મેનેજિંગ ડિરેકટરો આ બેઠકમાં સહભાગી થયા હતા. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડીયા, ઇન્ડીયન ઓલિમ્પીક એસોસિયેશન તથા ગુજરાત સ્ટેટ ઓલિમ્પીક એસોસિએશનના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code