![અયોધ્યામાં દિવાળીના પર્વની તૈયારીઓ, એક સાથે 9 લાખ દીપ પ્રગટાવવાનો બનાવાશે રેકોર્ડ](https://www.revoi.in/wp-content/uploads/2021/11/AYODHYA-DIPOTSAV.jpg)
અયોધ્યામાં દિવાળીના પર્વની તૈયારીઓ, એક સાથે 9 લાખ દીપ પ્રગટાવવાનો બનાવાશે રેકોર્ડ
- અયોધ્યામાં દિવાળી પર્વની જોરો શોરોથી તૈયારીઓ
- 1 થી ૩ નવેમ્બર દરમિયાન ઘણી જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમો
- એક સાથે 9 લાખ દીવા પ્રગટવવાનો બનાવાશે રેકોર્ડ
લખનઉ :દીપાવલી નિમિત્તે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સોમવારથી ‘દીપોત્સવ’ શરૂ થઈ રહ્યો છે. આ અવસર પર ઉત્તર પ્રદેશ સરકાર 1 થી 3 નવેમ્બર વચ્ચે ઘણી જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. રાજ્યના પર્યટન અને સંસ્કૃતિ મંત્રી નીલકંઠ તિવારી 1 નવેમ્બરે અયોધ્યામાં રામકથા મ્યુઝિયમમાં રામ શિલ્પ બજારનું ઉદ્ઘાટન કરશે. તે જ દિવસે પદ્મશ્રી ગાયક અનૂપ જલોટા રામકથા પાર્કમાં રામાયણ પરનો કોન્સર્ટ રજૂ કરશે. આ સાથે જનકપુરની સાંસ્કૃતિક ટીમ દ્વારા રામલીલા પણ રજૂ કરવામાં આવશે.
આ દીપોત્સવ કાર્યક્રમના બીજા દિવસે એટલે કે 2 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ટૂર ઓપરેટરો, ટ્રાવેલ લેખકો અને બ્લોગર્સ દ્વારા અયોધ્યામાં હેરિટેજ ટૂરનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત, હોટેલ હેરિટેજ ખાતે “મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે અયોધ્યાને પુનઃશોધ” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવશે. જેમાં પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગના અગ્ર સચિવ, લોક ગાયિકા માલિની અવસ્થી, લેખક, યતીન્દ્ર મિશ્રા અને મનોજ દીક્ષિત જેવા લોકો ભાગ લેશે.
આ ઉપરાંત મંગળવારે સાંજે 4 કલાકે પ્રવાસન વિભાગ દ્વારા અયોધ્યા ધામના વિકાસ પ્રોજેક્ટ્સ અને વિઝન ડોક્યુમેન્ટ પ્લાનનું પ્રેઝન્ટેશન થશે. આ સાથે વારાણસી, આઝમગઢના કલા જૂથો દ્વારા નાટક રજૂ કરવામાં આવશે.તો સાંજે 5 થી 7 વાગ્યા સુધી અયોધ્યામાં જલ્પા મંદિર, સાકેત મહાવિદ્યાલય, રાજ સદન, તુલસી ઉદ્યાન, કનક ભવન અને દશરથ મહેલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે
3 નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યે અયોધ્યામાં ભગવાન રામના આગમનને પ્રતિકાત્મક રીતે દર્શાવતી શોભાયાત્રા અને ઝાંખીઓ કાઢવામાં આવશે. આ શોભા યાત્રા સાકેત મહાવિદ્યાલયથી શરૂ થશે અને અયોધ્યાના મુખ્ય માર્ગો પર થઈને રામકથા પાર્ક પહોંચશે. કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડી રામકથા પાર્કમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચશે. આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે.
યુપી સરકારના જણાવ્યા મુજબ, આ પછી તમામ મહેમાનો સરયૂ નદીના નવા ઘાટ પર આરતીમાં ભાગ લેશે. 3 નવેમ્બરે સાંજે 6 વાગ્યે સમગ્ર અયોધ્યામાં 12 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. રામ કી પૈડી માં એક સાથે 9 લાખ દીવા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, જ્યારે અયોધ્યાના વિવિધ વિસ્તારોમાં 3 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. તે જ દિવસે રામકથા પાર્ક ખાતે શ્રી રામ ભારતીય કલા કેન્દ્ર, દિલ્હીના કલાકારો દ્વારા રામ રાજ્યાભિષેક પણ કરવામાં આવશે. સાથે જ શ્રીલંકાની સાંસ્કૃતિક ટીમ દ્વારા રામલીલાનું આયોજન કરવામાં આવશે.
જમ્મુ-કાશ્મીર, ગુજરાત, આસામ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ સહિત વિવિધ રાજ્યોની રામલીલાઓ પણ 1 થી 5 નવેમ્બર દરમિયાન અયોધ્યામાં યોજાશે. 4 નવેમ્બરે રામ કી પૈડી ખાતે 3-ડી હોલોગ્રાફિક શો અને ભવ્ય લેસર શો યોજાશે. 5 નવેમ્બરે સાંજે રામકથા પાર્કમાં વિવિધ રાજ્યોની રામલીલા અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવશે.