1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છના ઘોરડો ખાતે રણોત્સવની તૈયારીઓ, પ્રવાસીઓને માટે નવા અનેક આકર્ષણો ઉમેરાયાં
કચ્છના ઘોરડો ખાતે રણોત્સવની તૈયારીઓ, પ્રવાસીઓને માટે નવા અનેક આકર્ષણો ઉમેરાયાં

કચ્છના ઘોરડો ખાતે રણોત્સવની તૈયારીઓ, પ્રવાસીઓને માટે નવા અનેક આકર્ષણો ઉમેરાયાં

0
Social Share

ભૂજઃ કચ્છનો છેલ્લા એક દાયકોથી પર્યટન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. જેમાં ઘોરડોના સફેદ રણને નિહાણવા અને રણના ખૂશ્બુની મોજ મહાણવા માટે દેશ-વિદેશના પર્યટકો ઘોરડોની મુલાકાતે આવી રહ્યા છે. કચ્છની ભાતીગળ લોક સંસ્કૃતિ વખણાય છે એથી વિશેષ અહીં મહેમાનગતિ પણ ભારે જાણીતી અને માનીતી છે. અફાટ રણ વચ્ચે નયનરમ્ય કચ્છી ભૂંગામાં જોડિયા પાવા, મોરચંગ, ગડા-ઘમેલાના તાલ સાથે ગવાતી કચ્છી-સિંધી રાગરાગિણી સાથેનો આતિથ્ય સત્કાર એટલે ધોરડોના શ્વેત રણ વચ્ચેનો રણોત્સવ,  જે સહેલાણીઓ માટે સજ્જ રહ્યો છે. છેલ્લા બે વર્ષ રણોત્સવ પર કોરોનાના ઓછાયાને લઇ ઝાંખપ આવી, પરંતુ આ વર્ષે  બંને વર્ષોની કસર કાઢવા ગુજરાત સરકાર અને પ્રવાસન નિગમે કમર કસી છે. આગામી 1લી નવેમ્બરથી શરૂ થતા 16મા રણોત્સવની ભારે રંગેચંગે અને કેટલાક નવા આકર્ષણો સાથેની તૈયારીઓ ચરમસીમાએ છે. જો કે, શ્વેતરણ વચ્ચે હાલ ભરાયેલા પાણી સુકાઇ નમકમાં તબદીલ થવા એકાદ માસનો સમયગાળો જરૂરી હોઇ તેની અસલિયત ડિસેમ્બરના પ્રારંભે જોવા મળે તેવા સંકેતો મળી રહ્યા છે.

રાજ્યના પ્રવાસન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના મોટા રણમાં 2006થી શરૂ થયેલા રણોત્સવને દરવર્ષે ભારે સફળતા સાંપડયા પછી સહેલાણીઓમાં ઉત્તરોત્તર વધારો થઇ દેશ-વિદેશમાં ભારે પ્રસિદ્ધિ મેળવી છે, પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીનો ઓછાયો આ ઉત્સવ પર પડયા પછી ચાલુ સાલે રણોત્સવને ભારે રંગીન અને આકર્ષક બનાવવા રાજ્ય સરકાર, ગુજરાત પ્રવાસન નિગમ અને સ્થાનિક બન્નીવાસીઓ ભારે જોમ-જુસ્સા સાથે તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે. આગામી દિવાળીના તહેવારોને લઇને પ્રવાસન વિભાગે 1લી નવેમ્બરથી રણોત્સવ ઊજવવાનું નક્કી કર્યું છે. ખાસ કરીને રણોત્સવનું મુખ્ય આકર્ષણ ગણાતી તંબુનગરીની રંગીન સજાવટ માટે ખાનગી કંપનીએ છેલ્લા એકાદ માસથી ભારે દોડધામ આદરી છે. જો કે, રણોત્સવની ક્રાફટ બજાર, મનોરંજન, ખાણી-પીણીના સ્ટોલ, અન્ય સરકારી કાર્યક્રમો જેવા આકર્ષણ 1લી ડિસેમ્બરથી શરૂ થઇ શકશે.

સૂત્રોના કહેવા મુજબ કચ્છમાં પાછોતરા વરસાદને કારણે રણમાં હજુ પાણી ભરાયેલા છે. સફેદ રણના લોખંડી ટાવરથી દક્ષિણે આવેલા બીજા ગેટ વચ્ચે દોઢ કિ.મી.ના અફાટ રણ વિસ્તારમાં ક્ષારયુકત પાણી દરિયાની માફક હિલોળા લેતું જાઈ શકાય છે. આગામી દિવસોમાં નમકની ચાદર પથરાયા બાદ ડિસેમ્બરની શરૂઆતથી રણોત્સવની અસલી રંગત જામી શકશે. દર વર્ષે રણોત્સવની ઉત્તરોત્તર પ્રગતિને લઇ સાહલાણીઓનો ભારે ધસારો જોવા મળે છે. જેને લીધે શ્વેત રણમાં નાના-મોટા વાહનોનો ભારે જમાવડો થાય છે. દૂર દૂરથી આવતા વાહનોની સુરક્ષા માટે પાર્કિંગની અદ્યતન સુવિધા મળી રહે તે માટે તંબુનગરી અને બી.એસ.એફ. ચોકી વચ્ચે 20300 ચો.મી.માં વિશાળ વિસ્તારમાં પાર્કિંગ ઝોન ઊભો થઇ રહ્યો છે. જેમાં વોટર કૂલર, પરમિટ સેન્ટર, ટોયલેટ બ્લોક-2, ફૂડ સેન્ટર, 102 મીટર લાંબુ અને 4 મીટર પહોળું બસ સ્ટેન્ડ જેવી અનેક સગવડો ઊભી કરવામાં આવી છે. આ પાર્કિંગ ઝોનમાં 50 મોટી લકઝરી બસો અને 571 જેટલી નાની ગાડીઓ સુરક્ષિત રીતે પાર્કિંગ કરી શકાશે.ચાલુ સાલે રણોત્સવની ઉજવણીમાં કેટલાક નવા નજારાનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં શ્વેતરણના પ્રથમ પાર્કિંગ સ્થળ પાસે 21#12 મીટરના કાયમી અદ્યતન સ્ટેજનું નિર્માણ થઇ રહ્યું છે. પહેલા ગેટ અને વચ્ચેના ગેટ વચ્ચે અગાઉ સાડા પાંચ મીટર પહોળાઇ ધરાવતો આર.સી.સી. રોડ હતો, જેની બંને સાઇડોમાં વધારો કરી 11 મીટરના ડબલ રોડનું નિર્માણ થઇ રહ્યું છે, તો વળી શ્વેતરણ પ્રવેશના પહેલા પડાવ બી.એસ.એફ. ચોકી અને દ્વિતીય પડાવ વચ્ચે બે કલાત્મક ગેટનું પણ નિર્માણ થઇ રહ્યું છે.રણમાં નમકની પથરાયેલી સફેદીમાં સપ્તરંગી લાઇટિંગના નજારા માટે અત્યાધુનિક ટેક્નોલોજીથી સુસજ્જ લાઇટિંગ પ્રોજેક્ટ પણ ઊભો થઇ રહ્યો છે. જેની પાછળ સાત કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code