નવી દિલ્હી, 05 સપ્ટેમ્બર 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે વિકસિત ભારતના લક્ષ્યને માત્ર ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. શિક્ષક દિવસના અવસરે આજે નવી દિલ્હીમાં આયોજિત ‘રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2026’ સમારોહને સંબોધિત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે જે સમાજ પોતાના શિક્ષકોનો આદર કરે છે, તે જ ખરેખર પ્રગતિશીલ સમાજ છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે દેશના વિકાસમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે કહ્યું કે ભારતને જ્ઞાન-શક્તિ બનાવવાની સાથે સાથે વિશ્વની ‘સ્કિલ કેપિટલ’ (કૌશલ્ય રાજધાની) બનાવવી એ એક રાષ્ટ્રીય પ્રાથમિકતા છે.
જ્ઞાનને સર્વોચ્ચ શક્તિ ગણાવતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે શિક્ષણ લોકોને સ્વતંત્ર રીતે વિચારવા, યોગ્ય નિર્ણયો લેવા અને રાષ્ટ્રની પ્રગતિમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે સક્ષમ બનાવે છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે સમર્પિત શિક્ષકો રાષ્ટ્ર-નિર્માણકર્તા છે અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
રાષ્ટ્રપતિએ મહિલાઓના અધિકારો અને શિક્ષણના ક્ષેત્રમાં સાવિત્રીબાઈ ફુલેના મહત્વપૂર્ણ યોગદાનને પણ યાદ કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ’રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર’ એનાયત કર્યા. આ પુરસ્કારો 27 રાજ્યો, સાત કેન્દ્રશાસિત પ્રદેશો અને છ કેન્દ્ર સરકારની સંસ્થાઓમાંથી પસંદ કરાયેલા 48 શાળાકીય શિક્ષકોને આપવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિએ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને પોલિટેકનિકના ૨૧ શિક્ષકો તથા અધ્યાપકોને ‘રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર’ પણ એનાયત કર્યા. તેમાં કેન્દ્રીય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના 12, રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોના પાંચ તથા પોલિટેકનિકના ચાર શિક્ષકો અને અધ્યાપકોનો સમાવેશ થાય છે.
સમારોહમાં તમામ પુરસ્કાર વિજેતાઓના ઉત્કૃષ્ટ કાર્ય પર આધારિત ટૂંકી દસ્તાવેજી ફિલ્મો પણ દર્શાવવામાં આવી હતી.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, શિક્ષણ રાજ્ય મંત્રીઓ જયંત ચૌધરી અને ડૉ. સુકાંત મજુમદાર, શાળા શિક્ષણ સચિવ ટી.કે. અનિલ કુમાર, ઉચ્ચ શિક્ષણ સચિવ દીપ્તિ ગૌર મુખર્જી તથા કૌશલ્ય વિકાસ અને સાહસિકતા સચિવ દેબાશ્રી મુખર્જી ઉપસ્થિત રહ્યા હતા.


