શ્રીનગર, 5 સપ્ટેમ્બર 2026: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનમાં સુરક્ષાદળોને એક મોટી અને મહત્વપૂર્ણ સફળતા હાંસલ થઈ છે. સુરક્ષાદળો દ્વારા ચલાવવામાં આવેલા ‘ઓપરેશન અશદર’ દરમિયાન થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલા એક કુખ્યાત પાકિસ્તાની આતંકવાદીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. આ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ યાસિર તરીકે થઈ છે, જે લાંબા સમયથી જમ્મુ-કાશ્મીરમાં સક્રિય હતો અને અનેક મોટા હુમલાઓનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવતો હતો.
સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની આતંકી યાસિરે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને નાગરિકોને નિશાન બનાવીને અનેક ખતરનાક હુમલાઓને અંજામ આપ્યો હતો. પ્રાથમિક તપાસ અને ગુપ્તચર એજન્સીઓના અહેવાલ મુજબ, તેનું નામ ઓછામાં ઓછા 5 મોટા આતંકી હુમલાઓ સાથે જોડાયેલું હતું, જેમાં ભારતીય સેના અને વાયુસેનાના જવાનો ઉપરાંત નિર્દોષ નાગરિક પોર્ટરોએ પણ પોતાની જાન ગુમાવી હતી. સુરક્ષા એજન્સીઓ માટે યાસિરનો ખાતમો એટલા માટે પણ અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે કારણ કે તે લાંબા સમયથી આતંકી નેટવર્કને ઓપરેટ કરી રહ્યો હતો.
-
યાસિરે અંજામ આપેલા મુખ્ય હુમલાઓ
યાસિરે અંજામ આપેલા મુખ્ય હુમલાઓમાં 4 મે 2024ના રોજ પુંછના ધનાશાહ સિતાર ખાતે વાયુસેનાના કાફલા પર કરવામાં આવેલો આતંકી હુમલો સામેલ છે, જેમાં IAFનો એક જવાન શહીદ થયો હતો. આ ઉપરાંત 25 ઓક્ટોબર 2024ના રોજ બારામુલાના બૂટા પથરી ખાતે સેનાના જવાનો અને નાગરિક પોર્ટરોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં બે સૈન્યકર્મી અને બે નાગરિક પોર્ટર માર્યા ગયા હતા. આ સિવાય 21 ડિસેમ્બર 2023ના રોજ પુંછના ડેરા કી ગલીમાં થયેલા આતંકી હુમલામાં સેનાના 4 જવાનો શહીદ થયા હતા, 20 એપ્રિલ 2023ના રોજ પુંછના ભટ્ટા દુર્રિયાંમાં સેનાના વાહન પર થયેલા મોટા હુમલામાં સેનાના 5 જવાનો શહીદ થયા હતા અને 11 ઓક્ટોબર 2021ના રોજ ભટ્ટા દુર્રિયાંમાં થયેલા હુમલામાં સેનાના 9 બહાદુર જવાનો શહીદ થયા હતા.
સુરક્ષાદળોને ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ મળ્યા હતા કે બારાંગામના ગાઢ જંગલોમાં આતંકવાદીઓનું એક મોટું જૂથ છુપાયેલું છે. આ બાતમીના આધારે ત્રાટકેલા સુરક્ષાદળોએ 3 દિવસ પહેલાં ‘ઓપરેશન અશદર’ શરૂ કર્યું હતું. ઘેરાબંધી જોઈને આતંકવાદીઓ ગાઢ જંગલો અને ખાડાઓમાં સંતાઈ ગયા હતા. સતત 3 દિવસ સુધી ચાલેલા આ સઘન ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોએ પાકિસ્તાની આતંકી યાસિરને ઠાર મારવામાં સફળતા મેળવી છે. જો કે, તેના અન્ય સાથીદારો હાલ જંગલના અંદરના ભાગમાં ભાગ છૂટવામાં સફળ રહ્યા છે. આ આતંકીઓની શોધખોળ માટે સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશનનો વિસ્તાર વધુ મોટો કરી દીધો છે અને આસપાસના વિસ્તારોમાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી છે.


