Site icon Revoi.in

અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં લારી-ગલ્લા અને પાર્ક થતા વાહનોના દબાણો હટાવાયા

Social Share

અમદાવાદઃ શહેરમાં વાહનોની વધતા જતી સંખ્યાને લીધે પાર્કિંગનો પ્રશ્ન માથાના દૂઃખાવારૂપ બન્યો છે. લોકો પોતાની સાસાયટી બહાર જાહેર રોડ પર આડેધડ વાહનો પાર્ક કરી દેતા હોવાથી ટ્રાફિકજામના પ્રશ્નો પણ સર્જાય રહ્યા છે. તેમજ લારી-ગલ્લાઓ પણ ફુટપાથ પર ખડકી દેવાથી રાહદારીઓને રોડ પર ચાલવાની ફરજ પડી રહી છે. અનેક ફરિયાદો ઊઠ્યા બાદ એએમસી અને ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના પશ્વિમ વિસ્તારમાં દબાણો હટાવવાની સંયુક્ત ઝૂબેંશ હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના દબાણ વિભાગના અધિકારીઓ તેમજ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના એસજી હાઇવેથી પકવાન ક્રોસ રોડ, થલતેજ ક્રોસ રોડથી ગોતા ક્રોસ રોડ, અને વૈષ્ણોદેવી સર્કલ સુધી તથા પકવાન ક્રોસ રોડથી જજીસ બંગલો રોડથી માનસી સર્કલ ચાર રસ્તાથી કેશવબાગ ચાર રસ્તા સુધીના રોડ પર લારી ગલ્લાના દબાણ અને ગેરકાયદેસર રીતે રોડ પર વાહન પાર્કિંગને લઈને ડ્રાઇવ કરવામાં આવી હતી. પોલીસ અને એએમસીની સંયુક્ત ડ્રાઇવમાં લોકો બેફામ રીતે રોડ ઉપર વાહન મૂકી જતા હોવાનું સામે આવ્યું હતું. કુલ 137 જેટલા વાહનો ગેરકાયદેસર રીતે રોડ પર પાર્કિંગ કરેલા મળી આવતા તેને લોક મારી દેવામાં આવ્યા હતા.અને રૂ. 93,800નો દંડ પણ વસુલવામાં આવ્યો હતો. લોકો પોતાના વાહનો રોડ ઉપર મૂકી દેતા હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા વધારે જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે ટ્રાફિક પોલીસ અને એએમસીની સંયુક્ત ડ્રાઇવ માત્ર એક દિવસ પૂરતી જ જોવા મળે છે.

શહેરના જાહેર રોડ ઉપર ગેરકાયદેસર રીતે લારી ગલ્લાઓના દબાણથી લઈને નો પાર્કિંગમાં અને રોડ પર વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદભવી છે ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અવારનવાર રોડ પર ટ્રાફિક મુદ્દે ટકોર કરવામાં આવે છે, હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ હાઇકોર્ટની સુનાવણી નજીક આવતાની સાથે જ કામગીરી કરવા લાગી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ અને એસ.જી 1- 2 ટ્રાફિક પોલીસ અને એ ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે પશ્ચિમ વિસ્તારમાં દબાણો દૂર કરવાથી લઈને રોડ પર ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા વાહનોને લઈ ડ્રાઇવ કરી હતી.

અમદાવાદના માત્ર એસજી હાઇવે, થલતેજ અને વસ્ત્રાપુર જ નહીં પરંતુ શહેરના અલગ અલગ વિસ્તારો નારણપુરા, ઘાટલોડીયા, ચાંદલોડિયા, ગોતા, જમાલપુર, ખમાસા, લાલ દરવાજા, ચાંદખેડા, સાબરમતી, નવાવાડજ, વાડજ, ગીતામંદિર, કાલુપુર, દરીયાપુર શાહપુર, દિલ્હી દરવાજા, શાહીબાગ, અસારવા, વિરાટનગર, ઓઢવ, વટવા, જશોદાનગર, મણિનગર સહિતના વિસ્તારોમાં પણ એસજી હાઇવે કરતાં પણ વધારે પ્રમાણમાં લોકો લારી ગલ્લાના દબાણ અને રોડ ઉપર વાહન પાર્કિંગ કરીને જતા રહેતા હોય છે ત્યારે સંયુક્ત રીતે આ વિસ્તારોમાં પણ ડ્રાઇવ કરવાની જરૂરિયાત છે. જોકે માત્ર દેખાડા પૂરતી એક દિવસની ડ્રાઇવ અમદાવાદ ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવે છે.