Site icon Revoi.in

અમદાવાદ-મહેસાણા હાઈવે પર અડાલજ પાસેના નડતરરૂપ દબાણો દુર કરાયા

Social Share

અમદાવાદઃ ટ્રાફિકથી સતત વ્યસ્ત અમદાવાદ-મહેસાણા હાઈવે પર અડાલજ નજીક વર્ષો જુના દબાણો હટાવવા માટે ડિમોલિશન કરવામાં આવ્યુ હતુ. અડાલજ બાલાપીર દરગાહ સહિત સરકારી રોડ પરના વર્ષો જૂના દબાણો હટાવવામાં આવ્યા છે. આ કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અમદાવાદ-મહેસાણા હાઈવેને પહોળો કરવા માટે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અડાલજથી ઝુંડાલ સુધી આઠ લેન રોડ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. માર્ગ મકાન, ગુડા અને પંચાયત વિભાગ દ્વારા અડાલજ બાલાપીર દરગાહ સહિત સરકારી રોડ પરના વર્ષો જૂના દબાણો હટાવવામાં આવી રહ્યા છે. આ કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

 અડાલજ- મહેસાણા હાઇવે પર ઝુંડાલથી ત્રિમંદિર સુધીનો માર્ગ હાલમાં એઇટલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે. તે દરમિયાન આ હાઇવેને નડતરરૂપ અડાલજ બાલાપીર ચોકડી પાસે બાલાપીર દરગાહ સહિત નડતરરૂપ 35 જેટલા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. ગાંધીનગર અર્બ ડેવલપમેન્ટ ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ તથા પંચાયત વિભાગની સંયુક્ત ટીમો દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પાકા દબાણો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાલાપીર દરગાહનું મુખ્ય સ્થાન અને તેના પરની છત રહેવા દેવામાં આવ્યા છે પરંતુ બહારના ભાગે બનાવવામાં આવેલી વધારીની દિવાલ અને બાંધકામ હટાવી દેવામાં આવ્યા છે. અગાઉ નોટીસ આપવામાં આવ્યા બાદ જાતે જ આ બાંધકામ દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

સૂત્રોના કહેવા મુજબ  ઝુંડાલથી ત્રિમંદિર સુધીનો માર્ગ એઇટ લેન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ હાઇવે પર વર્ષોથી પાકા દબાણો થઇ ગયા હતા. રસ્તો પહોળો કરવામાં નડતરરૂપ હોવાથી હવે તેને હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્રિમંદિર પાસેના દબાણો પુલની કામગીરી શરૂ કરતા પહેલા જ હટાવી દેવામાં આવ્યા હતા જ્યારે અડાલજ બાલાપીર ચોકડી પાસેના દબાણો સામે હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાઇવેને નડતરરૂપ અને સરકારી જમીન પર બનેલા 45 જેટલા દબાણોને અગાઉ ગુડા દ્વારા નોટીસ આપવામાં આવી હતી. તે પછી આજે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં પાકા મકાનો, દુકાનો, રેસ્ટોરન્ટ સહિતના દબાણો ઉભા થઇ ગયા હતા. 16 દુકાન અને 12 મકાન સહિત આજે 35 જેટલા પાકા દબાણો જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા.