
ગાંધીનગરઃ ગુજરાતમાં ખાનગી શિક્ષણ મોંઘુદાટ બની રહ્યું છે. ખાનગી શાળાઓના સંચાલકોએ ફરીવાર ફીમાં વધારો કરવાની માગણી કરી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને આગામી શૈક્ષણિક વર્ષથી પ્રાથમિક સ્વનિર્ભર શાળાઓમાં ફીમાં અંદાજે 30 ટકાનો વધારો કરવાની માંગણી કરી છે. અગાઉ જે પ્રાથમિક સ્કૂલ માટે 15 હજાર રૂપિયા ફી નક્કી કરવામાં આવી હતી તે વધારીને 20 હજાર કરવામાં આવે અને આ જ રીતે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની ફીમાં પણ વધારો કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે એવી રજુઆત કરી છે. કે, ફી નિયમનનો કાયદો અમલમાં આવ્યા બાદ વર્ષ 2017-18થી અમલમાં આવે તે રીતે સ્કૂલોની ફી નક્કી કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક ધોરણ માટે વાર્ષિક 15 હજાર, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક-સામાન્ય પ્રવાહ માટે 25 હજાર રૂપિયા અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ સાયન્સ માટે 30 હજાર રૂપિયા ફી નક્કી કરવામાં આવી હતી. આ પ્રકારે ફી નક્કી કરવામાં આવી તેને છ વર્ષનો સમયગાળો થઇ ચૂક્યો છે. છ વર્ષમાં વધેલી મોંઘવારી, ખાનગી શાળાઓમાં ફરજ બજાવતાં કર્મચારીઓના પગાર, સ્થાનિક ભથ્થુ, ઘરભાડું, સ્ટેશનરી, લાઇટબિલ, મકાનભાડા સહિતના ખર્ચાઓ વધ્યા છે. હાલમાં પ્રાથમિક સ્કૂલોમાં જે વાર્ષિક 15 હજાર રૂપિયા ફી લેવામાં આવે છે તેને 12 મહિના પ્રમાણે ગણતરી કરીએ તો મહિને રૂ.1250 ફી થાય તેમ છે. આ ફી કરતાં વધારે ફી લેવા માટે સંચાલકોએ ફી નિર્ધારણ કમિટી પાસે અરજી કરવાની હોય છે. ફી નિર્ધારણ કમિટીને ચાર ઝોનમાં વહેંચવામાં આવી છે. જેમાં ઉત્તર ઝોન, મધ્ય ઝોન, સૌરાષ્ટ્ર ઝોન અને દક્ષિણ ઝોનની સ્કૂલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક ઝોન પ્રમાણે અલગ અલગ સભ્યોની નિયુક્તિ ફી કમિટીમાં કરવામાં આવી છે. હાલની સ્થિતિ એવી છે કે, કેટલાક ઝોનની કમિટીઓમાં સંચાલક મંડળના પ્રતિનિધિ, સિવિલ ઇજનેર, સીએ સહિતના સભ્યોની જગ્યાઓ ખાલી પડી છે. આ જગ્યાઓ તાકીદે ભરવા માટે પણ માંગણી કરવામાં આવી છે.
આ ઉપરાંત છેલ્લા છ વર્ષના મોંઘવારીના દરને ધ્યાનમાં રાખીને આગામી વર્ષ 2023-24માં અમલમાં આવે તે પ્રમાણે પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિકમાં વાર્ષિક 20 હજાર રૂપિયા, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકમાં વાર્ષિક 30 હજાર રૂપિયા અને ઉચ્ચત્તર માધ્યમિક સાયન્સમાં વાર્ષિક 35 હજાર રૂપિયા ફી નક્કી કરવા માંગણી કરવામાં આવી છે. આગામી પાંચ વર્ષની મોંઘવારીમાં ખાનગી શાળાઓ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે તે માટે ફી વધારો આપવા રજૂઆત કરવામાં આવી છે. આ સાથે એવી ચીમકી પણ આપવામાં આવી છે કે, જો આ પ્રમાણે ફી વધારો ન કરવામાં આવે તો ધીમે ધીમે વધુને વધુ શાળાઓ બંધ થશે. (file photo)