Site icon Revoi.in

ખાલિસ્તાન સમર્થક કેનેડિયન નેતા જગમીતની ટ્રમ્પને યુદ્ધની ધમકી

Social Share

કેનેડાની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) ના નેતા અને ખાલિસ્તાન સમર્થક જગમીત સિંહે ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના વિવાદાસ્પદ ટિપ્પણીઓ પર કડક ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરાયેલા એક વિડીયોમાં, જગમીત સિંહે ટ્રમ્પની “કેનેડાને અમેરિકામાં જોડવાની” યોજના પર તીવ્ર પ્રતિક્રિયા આપતા કહ્યું, “આપણો દેશ વેચાણ માટે નથી. હમણાં નહીં, ક્યારેય નહીં.” જગમીત સિંહે સ્પષ્ટતા કરી કે કેનેડાના લોકોને તેમના દેશ પર ગર્વ છે અને તેઓ તેમની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વની રક્ષા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. “કેનેડિયનોને તેમના દેશ માટે ઊંડો પ્રેમ છે, અને અમે તેને સુરક્ષિત રાખવા માટે યુદ્ધમાં જવા તૈયાર છીએ.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “જ્યારે તમારા ઘરો બળી રહ્યા હતા, ત્યારે કેનેડાએ મદદનો હાથ લંબાવ્યો હતો. એક સારા પાડોશી બનવાનો આ અમારો વિચાર છે,” તેમ NDP નેતાએ લોસ એન્જલસમાં તાજેતરમાં લાગેલી જંગલી આગ દરમિયાન કેનેડાની સહાયનો ઉલ્લેખ કરતા કહ્યું હતું. સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેનેડા તેના પડોશીઓનું સમર્થન કરે છે, પરંતુ તે પોતાની ગરિમા અને સ્વતંત્રતા સાથે સમાધાન કરશે નહીં. સિંહે ટ્રમ્પની નીતિઓ પર કટાક્ષ કરતા કહ્યું કે જો અમેરિકા કેનેડા પર ટેરિફ લાદે છે, તો તેઓ તેની સામે બદલો લેવા માટે તૈયાર છે. “જો ડોનાલ્ડ ટ્રમ્પને લાગે છે કે તે આપણને આર્થિક રીતે નુકસાન પહોંચાડી શકે છે, તો તેમને કિંમત ચૂકવવી પડશે,” તેમણે કહ્યું. તેમણે વડા પ્રધાનપદના ઉમેદવારોને આવા મુદ્દાઓ પર કડક વલણ અપનાવવાની પણ અપીલ કરી.

ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ પણ કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આનાથી કેનેડિયનોને ઘણા ફાયદા થશે, જેમ કે નોંધપાત્ર કર ઘટાડા, વ્યવસાયમાં વધારો અને અમેરિકન લશ્કરી સુરક્ષા. ટ્રમ્પે તાજેતરમાં જસ્ટિન ટ્રુડોના રાજીનામાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે “જો કેનેડા યુનાઇટેડ સ્ટેટ્સનો ભાગ બનશે, તો ટેરિફ દૂર થશે, કર ઘટશે, અને રશિયા અને ચીનના ખતરાથી રક્ષણ મળશે.” જસ્ટિન ટ્રુડો અને જગમીત સિંહ બંનેએ ટ્રમ્પના આ નિવેદનોને નકારી કાઢ્યા છે. તેમજ કહ્યું હતું કે, “કેનેડાનું ભવિષ્ય તેના પોતાના હાથમાં છે. આપણે એક સ્વતંત્ર રાષ્ટ્ર છીએ અને હંમેશા રહીશું.”

Exit mobile version