રાજકોટ, 4 ફેબ્રુઆરી 2026: નાણાકીય વર્ષ પુરૂ થવામાં હવે બે મહિનાથી ઓછો સમય બાકી છે. ત્યારે હાલ બજેટની મોસમ ચાલી રહી છે, આજે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનનું વર્ષ 2026-27નું રૂપિયા 3595.70 કરોડનું ડ્રાફટ બજેટ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યુ છે. જેમાં મિલ્કત વેરા અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં વધારો સૂચવાયો કરાયો છે. રહેણાંક મિલકતોમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં 365ના બદલે 800 રૂપિયા કરવા સૂચન કરાયું છે જયારે બિન રહેણાંક મિલકતોમાં 1460ના બદલે 3200 રૂપિયા કરવા સૂચન કર્યું છે એટલે કે ગાર્બેજ કલેક્શન મારફત મ્યુનિને 46 કરોડની આવક થવાની ધારણા છે જયારે પાણી વેરામાં રહેણાંક મિલકતો માટે 1500ના બદલે 2400 રૂપિયા અને બિન રહેણાંક મિલ્કતો માટે 3000ના બદલે 4800 રૂપિયા કરવા સૂચન કર્યું છે. જો કે મ્યુનિની ચૂંટણીનું વર્ષ હોવાથી સ્ટેન્ડિંગ કમિટી વેરા વધારાની દરખાસ્તને ફગાવી દેશે.તેવી શક્યતા છે.
રાજકોટ શહેરના મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, આજે 3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2025-26માં કુલ 4.07 લાખ કરદાતાઓએ 347 કરોડની ભરપાઈ કરી છે જેનો લક્ષ્યાંક 455 કરોડ રાખવામાં આવ્યો છે જયારે હવે આગામી વર્ષે 2026-27માં વેરાની આવક લક્ષ્યાંક 596 કરોડ રાખવામાં આવ્યો છે. વર્ષ 2018માં સૂચવેલો મકાન વેરો યથાવત રાખી રહેણાંક મિલ્કતમાં પ્રતિ ચોરસ મીટર 11 રૂપિયા અને બિન રહેણાંકમાં 25 રૂપિયા યથાવત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત વાહન વેરામાં પણ કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને 99,999 કિંમતના વાહનોમાં 1.5%, 1 લાખથી 7.99 લાખ કિંમતના વાહનો પર 2.5% અને 8 લાખથી વધુ કિંમતના વાહનો પર 3% વાહન વેરો વસુલવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે પાણીવેરો અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં વધારો કરવા સૂચન કરાયું છે જેમાં હાલ રહેણાંક મિલ્કત પર પાણી વેરામાં અડધો ઇંચના કનેક્શન પર રૂ.1500 વસૂલવામાં આવે છે જેમાં વધારો કરી રૂ.2400 અને બિન રહેણાંક પર 3000 વસુલવામાં આવે છે જેમાં વધારો કરી રૂ.4800 વસુલ કરવા સૂચન કરાયું છે. આ જ રીતે ગાર્બેજ કલેક્શનમાં અત્યારે રહેણાંક મિલ્કત પર રૂ.365 વસુલ કરવામાં આવે છે જેમાં વધારો કરી રૂ.800 અને બિન રહેણાંક મિલ્કત પર રૂ.1460 લેવામાં આવે છે જેમાં વધારો કરી રૂ.3200 વસુલ કરવા સૂચન કરાયું છે.

