- ભાવનગર જિલ્લાના ઘણાબધા પરિવારો સુરતમાં સ્થાયી થયેલા છે,
- દિવાળીના તહેવારોમાં પરિવારો પોતાના માદરે વતન આવતા હોય છે,
- સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિએશને કરી રજુઆત
ભાવનગરઃ શહેર અને જિલ્લાના અનેક લોકો પરિવાર સાથે સુરતમાં રોજગાર-ધંધામાં સ્થાયી થયેલા છે. અને દિવાળીના તહેવારોમાં લોકો પરિવાર સાથે માદરે વતન આવતા હોય છે. ત્યારે સુરત-ભાવનગર વચ્ચે દિવાળીના તહેવારો દરમિયાન ખાસ ટ્રેન દોડાવવા સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિએશન દ્વારા રેલવેના જનરલ મેનેજરને રજૂઆત કરવામાં આવી છે.
સુરત શહેરમાં ધંધા-રોજગારના હેતુથી સ્થાયી થયેલા ભાવનગર જિલ્લાના લગભગ 40 ટકા રત્નકલાકારો અને અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા લોકો દિવાળીના તહેવારમાં પોતાના માદરે વતન પરત ફરતા હોય છે. આ મુસાફરોને ખાનગી વાહનોમાં મોંઘા ભાડાં ચૂકવવા પડે છે. આ ઉપરાંત દિવાળી વેકેશન દરમિયાન સુરત-ભાવનગર માર્ગ પર ટ્રાફિક પણ રહે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી, સુરત-ભાવનગર વચ્ચે 10 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી વિશેષ ટ્રેન દોડાવવાની દરખાસ્ત કરવામાં આવી છે.
સુરત-ભાવનગર વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવામાં આવે તો હજારો મુસાફરોને સસ્તી અને સુરક્ષિત મુસાફરીનો લાભ મળી શકે છે. ભાવનગર રેલવે તંત્ર દ્વારા પણ આ ટ્રેન શરૂ કરવા માટેની દરખાસ્ત મોકલવામાં આવી હોવાનું એસોના કિશોર ભટ્ટે જણાવ્યું હતું. આ પહેલથી મુસાફરોની સુવિધામાં વધારો થશે અને તહેવારોની ઉજવણી માટે વતન પરત ફરવું સરળ બનશે.