Site icon Revoi.in

ડીસા નગરપાલિકા દ્વારા વોટર પ્લાન્ટ માટે પાંજરાપોળની જમીન હસ્તગત કરવા સામે વિરોધ

Social Share

ડીસાઃ શહેરમાં નગરપાલિકાના સત્તાધિશો દ્વારા પાંજરાપોળની જમીન હસ્તગત કરીને વોટર પ્લાન્ટ બનાવવાનું આયોજન કરતા ગૌ પ્રેમીઓમાં ભારે વિરોધ ઊઠ્યો છે. નગરપાલિકાની આ ગાય-વિરોધી નીતિના વિરોધમાં સમગ્ર શહેરમાં ઠેર ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે અને આગામી 14મી ઓગસ્ટના રોજ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જીવદયા પ્રેમીઓ અને જાગૃત નાગરિકો દ્વારા ‘શાન તિરંગા ગ્રુપ’ નામનું એક સંગઠન બનાવવામાં આવ્યું છે, અને નગરપાલિકા સામે ઉગ્ર લડત આપવાનો નિર્ધાર કર્યો છે.

ડીસા નગરપાલિકા દ્વારા નર્મદા યોજના આધારિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે પાંજરાપોળની જમીન હસ્તગત કરવાના પ્રયાસો સામે ગૌપ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. નગરપાલિકાની આ ગાય-વિરોધી નીતિના વિરોધમાં સમગ્ર શહેરમાં ઠેર ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે અને આગામી 14મી ઓગસ્ટના રોજ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

સૂત્રોના કહેવા મુજબ અગાઉ પણ ડીસા નગરપાલિકા દ્વારા હરિઓમ સ્કૂલ પાછળ આવેલા હઠીલા હનુમાનજી મંદિરની જગ્યામાં આવેલી ગૌશાળા તોડી પાડવામાં આવી હતી અને ગાયોને રસ્તા પર રઝળતી કરી દેવામાં આવી હતી. તે જગ્યાએ બગીચો બનાવવાની યોજના હતી. હવે ફરીથી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના નામે ગાયોની જમીન હડપવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેનો સમગ્ર શહેરમાં સખત વિરોધ થઈ રહ્યો છે.  આ વિરોધ માટે જીવદયા પ્રેમીઓ અને જાગૃત નાગરિકો દ્વારા ‘શાન તિરંગા ગ્રુપ’ નામનું એક સંગઠન બનાવવામાં આવ્યું છે. આ ગ્રુપ દ્વારા મોડી રાત્રે સમગ્ર શહેરમાં ઠેર ઠેર બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા, જેના પર નગરપાલિકાની ગાય-વિરોધી નીતિનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

આ મામલે ડીસા નગરપાલિકાના કોર્પોરેટર અને વિપક્ષના નેતા વિજય દવેએ જણાવ્યું હતું કે, “વર્તમાન સત્તા પર બેઠેલા લોકો ભ્રષ્ટાચારમાં ગળાડૂબ બની ગાય માતાની પાછળ પડી ગયા છે અને તેમનો નિકાલ કરવા માગે છે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. આ બાબતે શાન તિરંગા ગ્રુપ દ્વારા કાર્યક્રમ યોજીને એસપી અને નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપીને આ ષડયંત્રનો વિરોધ કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, “નગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે અને તેની ગાય-વિરોધી નીતિ સામે શાન તિરંગા ડીસા ગ્રુપ દ્વારા મોટા પાયે આંદોલન અને વિરોધ કરવામાં આવશે. ગુજરાતના તમામ નાગરિકોને આ વિરોધમાં જોડાવા અને આ ભ્રષ્ટ શાસન વ્યવસ્થાને જડમૂળથી ઉખાડી નાખવામાં સહભાગી થવા વિનંતી છે.” આ સમગ્ર મામલે ગૌપ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને નગરપાલિકાના આ નિર્ણય સામે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Exit mobile version