Site icon Revoi.in

કચ્છના વરસામેડી ટોલપ્લાઝા પર સ્થાનિક વાહનો પાસેથી ટોલ વસુલવા સામે વિરોધ

Social Share

 ભૂજ,18 જાન્યઆરી 2026:  કચ્છના હાઈવે પર ટોલપ્લાઝાના મુદ્દે અવાર-નવાર વિરોધ થતો હોય છે. ત્યારે જિલ્લાના વરસામેડી ટોલપ્લાઝા પર સ્થાનિક વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાના મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વરસામેડી, મોડવદર, ભીમાસર અને અજાપર ગામના લોકોએ ભેગા મળીને ટોલ પ્રશાસનને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગ્રામજનોનો આક્ષેપ છે કે રોડનું કામ હજુ પૂર્ણ થયું નથી, છતાં ઉઘરાણા શરૂ કરી દેવાયા છે. ટોલપ્લાઝા નજીક આવેલા ગ્રામજનોને ટોલ મુક્તિ આપવા માગ કરવામાં આવી છે.

કચ્છના હાઈવે પર વરસામેડી ટોલપ્લાઝા પાસે આવેલા ગામોના લોકોએ હાઈવે ઓથોરિટીને અપાયેલા આવેદન પત્રમાં એવી રજુઆત કરી છે કે,  વરસામેડી, મોડવદર, ભીમાસર અને અજાપર ગામના ખાનગી વાહનોને ટોલમાંથી સંપૂર્ણ મુક્તિ આપવી જોઈએ. હાઈવેનું કામ પુરૂ થયુ નથી છતાંયે ટોલ ઉઘરાવવામાં આવી રહ્યો છે.જો ટૂંક સમયમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ચારેય ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડી ટોલ પ્લાઝા પર જલદ કાર્યક્રમ આપશે.

વરસામેડી ટોલપ્લાઝા સામે કરાયેલા વિરોધ પ્રદર્શનમાં માત્ર વાહનચાલકો જ નહીં, પરંતુ રાજકીય અને સામાજિક આગેવાનો પણ જોડાયા હતા જેમાં તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન વરસામેડી, મોડવદર, ભીમાસર અને અજાપરના સરપંચો તથા ઉપસરપંચો તેમજ સ્થાનિક રિક્ષા એસોસિએશનના સભ્યો જોડાયા હતા. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યુ઼ હતું કે, “રોડની હાલત ખરાબ છે અને કામ હજુ બાકી છે. આવા સંજોગોમાં સ્થાનિક લોકો પાસે ટોલ ઉઘરાવવો તે અન્યાય છે. જો તંત્ર અમારી વાત નહીં માને તો અમે તમામ ગ્રામજનો સાથે મળીને ટોલ પ્લાઝા ચાલવા નહીં દઈએ.

Exit mobile version